<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

પોરબંદરના ફટાણામાં પોલીસ જીપ ઉપર પથ્‍થરમારોઃ કાચ તોડયા

દાદાગીરી કરીને દુકાનદાર પાસે હપ્તો માંગતો માથાભારે શખ્‍સ પોલીસને જોઇને ઉશ્‍કેરાયોઃ ઝપાઝપી કરીને પથ્‍થરમારો કરીને પોલીસ ફરજમાં રૂકાવટ : પોલીસ જીપને નુકશાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩: નજીકના ફટાણા ગામમાં દાદાગીરી કરીને પાનની દુકાન ચલાવનાર પાસેથી રૂા.૧૦૦નો હપ્તો માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર માથાભારે શખ્‍સની તપાસમાં આવેલી પોલીસની જીપમાં માથાભારે શખ્‍સે પથ્‍થરમારો કરીને પોલીસની જીપના કાચ તોડીને રૂા.૪પ૦૦નું નુકશાન કરતા તથા પોલીસ ફરજમાં રૂકાવટનો ગુન્‍હો નોંધાયો છે.

ફટાણામાં રહેતા રાજુભાઇ બુધાભાઇ બથવારે બગવદર પોલીસ સ્‍ટેશનમાં ફટાણાના મહેશ રામાભાઇ બથવાર સામે બગવદર પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે, ફરીયાદી પોતાની પાનની દુકાને આરોપી મહેશ રામાભાઇ આવીને રૂા. ૧૦૦ ઝુંટવી લઇને દુકાન ચલાવવા હપ્‍તો આપવો પડશે તેમ કહીને  હપ્તો નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની પોલીસ ફરીયાદની તપાસ માટે આવેલ પોલીસને જોઇ માથાભારે મહેશ રામાભાઇએ ઉશ્‍કેરાઇ જઇને પોલીસની જીપ ઉપર પથ્‍થરો મારીને જીપના કાચ તોડીને રૂા.૪પ૦૦ નું નુકશાન તેમજ પોલીસ સાથે ઝપાઝપી કરતા મહેશ રામાભાઇ સામે પોલીસ જીપને નુકશાન તથા ફરજમાં રૂકાવટનો ગુન્‍હો નોંધાયો છે.

બગવદર પોલીસ સ્‍ટેશનના એએસઆઇ અમૃતભાઇ અરજણભાઇ રાઠોડે આરોપી મહેશ રામાભાઇ બથવાર સામે પોલીસ વાહનને નુકશાન તથા પોલીસ સાથે ઝપાઝપી કરીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંધાવતા મહેશ રામાભાઇ સામે ગુન્‍હો નોંધાયો છે.

બગવદર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ.એસ.બારા વધુ તપાસ ચલાવે છે.

(1:40 PM IST)