<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

મોરબીઃ શિક્ષીકા ઉપરના દુષ્‍કર્મના કેસમાં પકડાયેલ જીલ્લા શિક્ષક સંઘના પુર્વ પ્રમુખને ૧૦ વર્ષની સજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૪: મોરબીમાં શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો બનાવીને સગા સંબંધીઓને મોકલી તેના લગ્નમાં ભંગાણ પાડવાના કેસમાં કોર્ટે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો જાહેર કર્યો છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં એક પીડિત શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવા રહે. રવાપર રોડ, બોની પાર્ક, ધરતી ટાવર, મોરબીવાળા મોરબી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હોય, તા. ૨૬/૦૧/૨૦૧૭ થી તા. ૨૮/૦૨/૨૦૧૮ દરમિયાન મિત્રતા કેળવી ફોસલાવી પોતે પરણિત હોવા છતા પોતાની પત્‍ની સાથે છુટાછુડા કરી સાથે લગ્ન ક૨વાના ખોટા વાયદાઓ આપી રાજકોટ ખાતે ફલેટે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધ્‍યો હતો.

આ દરમિયાન તેઓએ બિભત્‍સ વિડીયો કલીપ ઉતારી સગા સંબંધીઓમાં બિભત્‍સ વિડીયોગ્રાફસ, ફોટોગ્રાફસ તથા વોટસએપ મેસેજ મોકલી સગાઈ તથા લગ્ન જીવનમાં ભંગાણ પડાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદને આધારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ મોરબીના અધિક સેશન્‍સ જજ સાહેબની ફાસ્‍ટ ટ્રેક સ્‍પેશીયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવાને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગબનનારને રૂ.૫ લાખ તથા આરોપી પાસેથી રૂ.૨૦ હજાર દંડ પેટે મળી કુલ રૂ.૫.૨૦ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કરવામાં આવ્‍યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન.ડી. કારીયા રોકાયેલ હતા. (૭.૧પ)

(11:36 AM IST)