તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 4th December 2025
ગંભીર એલર્જીક પ્રતિક્રિયા: SJS માંથી TEN માં રૂપાંતરિત દર્દીની સંપૂર્ણ સારવાર : જામનગર સરકારી જી.જી. હોસ્પિટલમાં ચામડીના ગંભીર રોગથી પીડાતી યુવતીનો સફળ ઈલાજ
ચામડીની અત્યંત ગંભીર બીમારીમાં જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની આ સિદ્ધિ ને લઈને તબીબોની ટીમને દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કરી બિરદાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જામનગરની જી.જી. હૉસ્પિટલના સ્કિન વિભાગમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડી રોગનો સફળ ઈલાજ કરીને તબીબી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના સ્કીન વિભાગમાં કોસ્મેટિક બીમારી સિવાય પણ ઘણા જીવલેણ સાબિત થઈ શકે એવા રોગોથી પીડાતા દર્દીઓ પણ આવતા હોઈ છે જેમ કે, પેમ્ફિગસ વલ્ગૅરિસ ( pemphigus vulgaris) , એરીથ્રોડરમાં ( erythroderma), ડ્રગ રિએક્શન ( drug reaction) ના લીધે ઇમર્જન્સિ સર્જાય શકે છે
પોરબંદરની ૨૦ વર્ષની એક યુવતી સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમથી (SJS) પીડાતી. સ્થિતિમાં દાખલ થઈ હતી જે ગંભીર ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis – TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી.
આ દર્દીની તપાસ દરમિયાન ડોકટરોની ટીમને જાણવા મળ્યું હતું કે, આ દુર્લભ પરંતુ જીવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામ ની દવા હતી , જે ઘણી વખત ગંભીર એલર્જીક પ્રતિક્રિયા રૂપે ચામડી ઉપર ખૂબજ ગંભીર અસર દર્શાવી શકે છે.
ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (TEN) માં ત્વચાનું ઉપરનું સ્તર (Epidermis) છૂટુ પડી જાય છે અને ગંભીર દાઝવા જેવી સ્થિતિ સર્જાઈ જાય છે. ત્વચાનું રક્ષાત્મક આવરણ દૂર થવાથી અનેક જીવલેણ પરિસ્થિતિ ઊભી થાય છે, જેમ સૌથી ગંભીર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ , જેનાથી ડિહાઇડ્રેશન થાય છે, અને સેપ્ટિસેમિયા એટલે કે લોહીનું ઝેરી ચેપ થઇ શકે છે, જે મૃત્યુ નું સામાન્ય કારણ છે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્વાસનળીના મ્યુકસમેમ્બ્રેમાં ફોડલા થવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આંખની દ્રષ્ટિ પર કાયમી અસર આવી શકે છે.
જામનગર ની જી.જી. હૉસ્પિટલના સ્કિન વિભાગના ના પ્રોફેસર અને વડા ડો. દેવલ એન. વોરા અને તેમની ટીમ દ્વારા યુવતીની તરત જ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે સારવાર ચાલુ કરવામાં આવી હતી. દર્દીને સહાયક પ્રોફેસર ડો.કાજોમી શિંગાળા, સીનિયર રેસિડેન્ટસ અને જુનિયર રેસિડેન્ટસ ડોક્ટરોએ દિવસ રાત મહેનત કરી ને હાઇ ડોસ IVIG(ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબુમિન) , કેપ્સ્યુલ સાયક્લોસ્પોરિન, હાયર એન્ટીબાયોટિક્સ જેવી મોંઘી દવાઓ સહિત અન્ય સહાયક દવાઓ , પ્રવાહી ઉપચાર , રેગ્યુલર ડ્રેસિંગ અને સ્કિન વિભાગના વડા ડો. દેવલ એન. વોરાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સારવાર આપવામાં આવી.
અંદાજિત 20 દિવસની સતત અને સંયુક્ત સારવાર બાદ દર્દીની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. હાલ તે હોસ્પિટલથી રજા મળતા કોઈપણ ગંભીર જટિલતા વગર સામાન્ય જીવન તરફ પાછી ફરી છે.
આ સફળ સારવાર માટે હૉસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડો. દીપક તિવારી અને ડીન ડો.નંદીની દેસાઈના સહયોગ દ્વારા તાત્કાલિક IVIG ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. જેનાથી આ સારવાર સફળ થઈ હતી. આ ઉપરાંત આ ઘટના થી તબીબોની કુશળતા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ મળી રહ્યું છે. સાથે જ, આ ઘટના દવાઓનું યોગ્ય માર્ગદર્શન વગર સેવન ન કરવા અને કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવાની મહત્વતા પર પ્રકાશ પડે છે.
ચામડીની અત્યંત ગંભીર બીમારીમાં જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ની આ સિદ્ધિ ને લઈને તબીબોની ટીમને દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કરી બિરદાવી છે. (તસવીરો : કિંજલ કારસરીયા)
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
