News of Friday, 5th December 2025
કચ્છમાં બિદડા સર્વોદય ટ્રસ્ટે 8 કલાકમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવ્યો
બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા માનવ સ્વાસ્થ્ય સેવા સાથે પશુઓ પ્રત્યે દર્શાવવામાં આવેલી આ જીવદયાની ભાવનાને કારણે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અહીંના પ્રસિદ્ધ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અંજાર સહિત તાલુકાના ગામડાઓમાં અપંગ બનેલા પશુઓ માટે એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત, ગંભીર ઇજા અથવા અપંગતાને કારણે ચાલી ન શકતી 10 ગાયો સહિત અન્ય પશુઓને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ અત્યાધુનિક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા. સંસ્થાના આ પ્રયાસથી લાચાર બનેલી ગાયોને ફરીથી પોતાના પગ પર ઊભી થવાની અને સામાન્ય જીવન જીવવાની તક મળી છે, જેનાથી તેમને ખરેખર નવું જીવન મળ્યું છે. આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સંસ્થાએ આ માનવતાવાદી કામગીરીને અત્યંત ઝડપથી પૂર્ણ કરી છે. માત્ર આઠ કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ અસાધારણ પ્રયાસ બદલ સંસ્થાને ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ (OWR)નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.આ સમગ્ર કામગીરી સંસ્થાના ચેરમેન વિજય ચેડાં કુબલ અને ડિરેક્ટર મુકેશ દોશી, હેમંત મેનિયાના સચોટ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી. OWR તરફથી તેમને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું.બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા માનવ સ્વાસ્થ્ય સેવા સાથે પશુઓ પ્રત્યે દર્શાવવામાં આવેલી આ જીવદયાની ભાવનાને કારણે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
