News of Friday, 5th December 2025
ધ્રોલના ત્રિકોણથી લતીપર ચોકડી સુધીનો ટ્રાફિકજામઃ
ચેમ્બર ઓફ કોમર્સે તંત્ર સામે ‘ધોકો પછાડયો' : બહારના રસ્તાઓ કે ડાયવર્ઝન જ એકમાત્ર ઉપાયઃ શહેરની બહાર ટ્રાફિક ડિવાઇડ કરવા માંગ

ધ્રોલ,તા.૦૫: ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રતિનિધિઓએ ધ્રોલ શહેરમાં વકરી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે તંત્રને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે. મુખ્ય રસ્તાઓ પરથી મોટા વાહનોની અવરજવરને કારણે થતા ટ્રાફિક જામ, ધૂળની ડમરીઓ અને અકસ્માતની વધતી શક્યતાઓએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે
ચેમ્બર ઓફ કોમર્સના મંત્રીએ જણાવ્યું હતું કે, અમને વેપારીઓ તરફથી વારંવાર રજૂઆતો મળી છે કે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. રસ્તામાંથી પસાર થતા મોટા વાહનોને કારણે ધૂળ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના પરિણામે અકસ્માત થવાની પણ મોટી શક્યતા રહેલી છે.
ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ જમનભાઈ ચનિયારાએ ઉમેર્યું હતું કે, કુંડળવાળો અને જાંબુડા રોડ જેવા માર્ગો બંધ થતાની સાથે જ મોટા વાહનોનો ટ્રાફિક શહેરના મુખ્ય માર્ગો પર આવી ગયો છે. તેમણે આ સ્થિતિને કારણે થતી હાલાકી વર્ણવતા કહ્યું કે, ધ્રોલ માં અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. સવારે ૮ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ટ્રાફિક ખુલતો નથી, જેના કારણે ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડે છે. બપોરે ૧ વાગ્યા પછી ટ્રાફિક ખુલે તો પણ ૩ વાગ્યા સુધી સ્થિતિ ખૂબ ખરાબ રહે છે.
ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય નવીનભાઈ શાહે ગાંધીચોક વિસ્તારમાં ધૂળની સમસ્યા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, અમે બે વર્ષ પહેલા પણ આ અંગે રજૂઆત કરી હતી. રાજકોટ રોડ પરથી પસાર થતા લોકોને ધૂળના કારણે ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. વેપારીઓએ તેમની દુકાનોને દર મિનિટે સાફ કરવી પડે છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એવું નથી કે આ સમસ્યાનો કોઈ વિકલ્પ નથી. તંત્ર ઈચ્છે તો શહેરની બહારથી ડાયવર્ઝન અથવા બાયપાસની વ્યવસ્થા કરીને આ ટ્રાફિકને સરળતાથી વિભાજિત કરી શકે છે.
ધ્રોલના વેપારીઓ અને નાગરિકોની એકમાત્ર માગ છે કે તંત્ર આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ આશા વ્યક્ત કરી છે કે મોટા લોડિગ વાહનો અને ટેન્કરો માટે ગામની બહારના રસ્તા અથવા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થા સુધારવી. ધૂળની સમસ્યાને હળવી કરવા પગલાં લેવા.
સમગ્ર ધ્રોલના વેપારીઓ અને નાગરિકો આશા રાખી રહ્યા છે કે તંત્ર તેમની રજૂઆત પર ધ્યાન આપીને વહેલી તકે કોઈ નક્કર ઉકેલ લાવશે, જેથી શહેરીજનોને હાલાકીમાંથી મુક્તિ મળે. (સંજય ડાંગર ધ્રોલ)(૪૦.૧૭)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
