News of Friday, 5th December 2025
પોરબંદરની દિકરી બની ગુજરાત રાજ્યનું ગૌરવઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે ભારતનું પ્રતિનિધિત્વ
રમશે ગુજરાત, જીતશે ગુજરાત દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરની અદભુત સફળતાઃ ખેલ મહાકુંભની સફળ ગાથા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૫: પોરબંદરની દિકરી બની દેશનું ગૌરવ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભના નામે વાવેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે અને તેમાં ફળો આવી રહ્યા છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે પોરબંદરના પ્રિયાબેન કોડીયાતર. પોરબંદરની દિવ્યાંગ ખેલાડી પ્રિયાબેન કોડીયાતરે આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામીને ગુજરાત રાજ્યનુ નામ રોશન કર્યું છે. પોરબંદરના રાંધવા ગામની રહેવાસી પ્રિયાબેન કોડીયાતરે, જેમણે ખેલ મહાકુંભ થકી જ રમતગમતની શરૂઆત કરી હતી, તેમણે જિલ્લા રમતગમત અધિકારી શ્રી ડો. પ્રવીણાબેન પાંડાવદરા અને કોચ અજયભાઈ કરંગીયા તથા રાહુલભાઈ કારકીના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. તેમણે નેશનલ કક્ષાની ઇવેન્ટમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને ૧૦૦ મીટરમાં ચોથો રેન્ક મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેઓ પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી પામ્યા છે અને આગામી ૭ તારીખે દુબઈ ખાતે લોંગ જમ્પ અને ૧૦૦ મીટરની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલની ઉત્કૃષ્ટ સુવિધાઓ અને સકારાત્મક વાતાવરણનો પૂરો લાભ લઈને પ્રિયાબેન આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ગુજરાતનું અને ભારતનું ગૌરવ વધારવા માટે સજ્જ છે. આ સિદ્ધિ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા ઊભી કરાયેલી રમતગમતની સંસ્કૃતિની સફળતાનું પ્રતીક છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
