<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કુવાડવાના ખોરાણામાં ખેડૂત દિનેશભાઇ સોલંકીના ઘરમાંથી ૧.૭૦ લાખની ચોરી

પતિ-પત્નિ સહિતના પરિવારજનો ગામના મનસુખભાઇ પટેલની વાડી વાવતા હોઇ ત્યાં હતાંઃ ચોર રોકડ-દાગીના ઉસેડી ગયા

 

 

રાજકોટ તા. ૫: કુવાડવા તાબેના મઘરવાડા ગામે ખેડુતના મકાનમાંથી ધોળે દિવસે પોણા સાત લાખની ચોરી થયાના બનાવમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે ત્યાં કુવાડવાના વધુ એક ગામમાં ચોરી થઇ છે. ખોરાણા ગામે ખેડુતના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૧,૭૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ખોરાણા ગામે રામાપીરના મંદિર પાસે રહેતાં અને ગામમાંજ આવેલી મનસુખભાઇ ભીમજીભાઇ પટેલની વાડી વાવી ગુજરાન ચલાવતાં ખેડુત દિનેશભાઇ પાંચાભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ ફરિયાદી તેમના પત્નિ અને સંતાનો સાથે રહે છે. હાલમાં તેમના પત્નિને ખેતીકામ દરમિયાન હાથમાં ઈજા થઈ હોવાથી તેઓ છેલ્લા ત્રણ દિવસથી ગામમાં જ મનસુખભાઈ પટેલની વાડીએ રહેવા ગયા હતા, જ્યાં તેમના માતા-પિતા પણ રહે છે. ગુરૂવારે સાંજના લગભગ સાતેક વાગ્યે ઘરે દીવા-બત્તી કરવા આવ્યા હતા અને આઠેક  વાગ્યાની આસપાસ ઘરને તાળું મારીને વાડીએ પરત ફર્યા હતા.

દરમિયાન આજે વહેલી સવારે લગભગ છ વાગ્યે તેમના પાડોશમાં રહેતા મનુભાઈ રણછોડભાઈ સાંગાણીએ ફોન કરીને જાણ કરી કે તેમના ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજા ખુલ્લા છે. આ અંગે જાણ થતાં ફરિયાદી તાત્કાલિક ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને જોતાંં લોખંડના કબાટનું તાળું પણ તૂટેલું હતું અને સામાન વેર-વિખેર પડ્યો હતો. તસ્કરો રોકડા રૂ. ૮૦ હજાર, સોનાની બુટી-કાનસર રૂ. ૩૫ હજારની, સોનાનો ચેઇન રૂ. ૩૫ હજારનો, પાંદડા આકારનું ઓમવાળુ પેન્ડલ રૂ. ૧૦ હજારનું અને ચાંદીના સાંકળા બે જોડી રૂ. ૧૦ હજારના મળી કુલ ૧,૭૦,૦૦૦ની ચોરી થયાની ખબર પડી હતી.  બનાવની જાણ દિનેશભાઇએ પહેલા તેમના મોટા ભાઈ હરેશભાઈને કરી હતી. તેણે ૧૧૨ પર પોલીસને જાણ કરતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને ગુનો નોંધતા ડી. સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(4:20 PM IST)