તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ખેતર ખેડતી વખતે પિતાના મીની ટ્રેકટર હેઠળ ૪ વર્ષનો પુત્ર મહેશ કચડાઇ ગયોઃ કરૂણ મોત
અમરેલીના ચિત્તલમાં કરૂણ દૂર્ઘટનાઃ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૬: અમરેલીના ચીત્તલ ગામે એક કરૂણ દૂર્ઘટનામાં ખેતર ખેડી રહેલા પિતાના મીની ટ્રેકટર અને રાપની નીચે આવી જતાં ૪ વર્ષના પુત્રનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. મુળ એમપીનો ખેતમજૂર શનેડો (મીની ટ્રેકટર)માં પાછળ લોખંડની રાપ લગાડી ખેતર ખેડી રહ્યો હતો ત્યારે પાછળ રાપના પાઇપ ઉપર તેનો ચાર વર્ષનો દિકરો બેઠો હોઇ તે પડી જતાં તેના પર ટ્રેકટર અને રાપના પાના ફરી વળતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશનો જગદીશ અમરીશભાઇ મીનાવા વર્ષોથી અમરેલીના ચીત્તલ ગામે હસુભાઇ પટેલની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરે છે. ગત સાંજે ચારેક વાગ્યે તે ખેતરમાં શનેડો (મીની ટ્રેકટર)માં લોખંડની રાપ ફીટ કરી ખેતર ખેડતો હતો ત્યારે પાછળ રાપ ઉપર તેનો ૪ વર્ષનો દિકરો મહેશ બેઠો હતો. રોદો આવતાં કે કોઇપણ રીતે મહેશ ચાલુ ટ્રેકટરમાંથી પડીને આગળની તરફ આવી જતાં તેના પર ટ્રેકટરના વ્હીલ અને લોખંડની રાપ આવી જતાં ગંભીર ઇજા થઇ હતી.
દિકરાની ચીસો સાંભળી જગદીશભાઇએ ટ્રેકટર ઉભુ રાખ્યું હતું. તેને સારવાર માટે અમરેલી અને બાદમાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન રાતે મોત થતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર મહેશ ચાર ભાઇમાં સોૈથી નાનો હતો. પિતા જગદીશભાઇ, માતા રેખાબેન સહિતના પરિવારજનોમાં આ બનાવથી ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ મારફત અમરેલી પોલીસને જાણ કરવામાં આવી હતી
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
