<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

પોરબંદરના મોઢવાડા વિસ્‍તારમાં આવતીકાલે ત્રણ કરોડથી વધુના બે સુવિધાપથનું થશે ખાતમુહૂર્ત

કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબીનેટમંત્રી સહિત જિલ્‍લા અને તાલુકાના ભાજપના આગેવાનોની ઉપસ્‍થિતિમાં લીરબાઈ માતાજીના મંદિરે યોજાશે કાર્યક્રમઃ મોઢવાડાથી શીશલી તથા બગવદરથી કેશવ સુધીના નવા રસ્‍તાની સુવિધા થશે ઉપલબ્‍ધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૬: પોરબંદરના ધારાસભ્‍ય એવા કેબીનેટમંત્રીએ રાજય સરકારને કરેલી ભલામણ અનુસંધાને મોઢવાડા વિસ્‍તારમાં આવતીકાલે ત્રણ કરોડથી વધુના બે સુવિધાપથના ખાતમુહૂર્ત કેબીનેટમંત્રી તથા પૂર્વ કેબીનેટમંત્રી સહિત જિલ્‍લા અને તાલુકાના ભાજપના આગેવાનોની ઉપસ્‍થિતિમાં થશે.

પોરબંદરના ધારાસભ્‍ય એવા રાજ્‍યના વન અને પર્યાવરણ વિભાગના કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ મોઢવાડા વિસ્‍તારના લોકોની સુખાકારી માટે રાજ્‍ય સરકારમાં મહત્‍વની રજૂઆતો કરી હતી જેમાં સારા રસ્‍તાની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટેના વિકાસ કામો મંજૂર કરવા ભલામણ કરી હતી તે અનુસંધાને મોઢવાડાથી કેશવ થી પાલખડાથી શીશલી સુધીના સુવિધાપથના કામ માટે બે કરોડ પાંચ લાખ રૂપિયા મંજૂર થયા હતા અને મોઢવાડા નજીક બગવદર, મીંયાણી, એમ.ડી.આર. મોઢવાડા સમાજ થઇબને મોઢવાડાથી કેશવ સુધીના સુવિધાપથના કામ માટે એક કરોડ રૂપિયા મંજૂર થયા હતા. આમ કુલ બે સુવિધાપથના વિકાસ કામ માટે ૩ કરોડ પાંચ લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર થઇ હતી જેથી આ બંને રસ્‍તાના ખાતમુહૂર્તનો સમય આવી ચૂકયો છે તેમ જણાવી જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્‍યુ છે કે શનિવાર તા.૬-૧૨ના બપોરે ૩:૧૫ કલાકે મોઢવાડા ગામે આવેલા શ્રી લીરબાઈ માતાજીના મંદિરે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. જેમાં કેબીનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્‍લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપરાંત આ વિસ્‍તારના ગામેગામના સરપંચો, અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોને પણ ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ પાઠવ્‍યુ છે.

(1:28 PM IST)