<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

જૂનાગઢ જિલ્લામાં રાહત સહાય પેકેજ હેઠળ ૩૪,૩૦૦ ખેડૂતોને કુલ રૂા. ૧૦૭ કરોડની ચૂકવણી

ઉર્જા રાજયમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ જૂનાગઢ શહેર-જિલ્લાના પ્રજાકીય પ્રશ્નો નિવારવા સમીક્ષા બેઠક યોજી : આશરે ૩૮,પ૦૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું : કુલ ૮.પ૦ લાખ કિવન્‍ટલ મગફળીની ખરીદી

જૂનાગઢ, તા. ૬ : રાજયના કાયદો અને ન્‍યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જૂનાગઢ શહેર જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર ધર્મેશભાઇ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી - પદાધિકારીઓ સાથે સમીૅક્ષા કરી હતી.

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમા ઉર્જા રાજયમંત્રીશ્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ખાસ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે ભાવિકો માટેની વ્‍યવસ્‍થા, સુવિધાઓના સંદર્ભમાં પરામર્શ કર્યો હતો.

ઉર્જા રાજયમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારતા હોય ત્‍યારે રસ્‍તા, પાર્કિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્‍યું હતું.

આ ઉપરાંત ઉર્જા રાજયમંત્રીએ ખાસ જૂનાગઢ જિલ્લામાં મગફળી સહિતની ટેકાના ભાવે થતી ખરીદી અને ખેડૂતો માટેના રાહત પેકેજ સંદર્ભે થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. રાજયમંત્રીશ્રીએ ખાસ ટેકાના ભાવે ખરીદી કેન્‍દ્રો પર ખેડૂતોને મુશ્‍કેલીઓ ન પડે તે માટે ખાસ સતત દેખરેખ રાખવા માટે સંબંધિત અધિકારઓને સૂચના આપી હતી. આ સાથે ખેડૂતોને રાહત સહાય પેકેજ હેઠળની ચૂકવણીઓ ઝડપભેર થાય તે માટે પણ માર્ગદર્શન કર્યું હતુૅ.

મહત્‍વનું છે કે, જિલ્લામાં કમોસમી વરસાદથી કૃષિ પાકના નુકસાની ૧.૬૦ લાખ અરજીઓ થઇ છે. જે પૈકી ૩૪,૩૦૦ ખેડૂતોને કુલ રૂા. ૧૦૭ કરોડની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે.

જિલ્લામાં એપીએમસી સહિતના કુલ ૪૮ સ્‍થળો પર ટેકાના ભાવે મગફળી સહિતની ખેતપેદાશોની ખરીદી કરવામાં આવી રહી છે. અત્‍યારસુધીમાં આશરે ૩૮,પ૦૦ જેટલા ખેડૂતો મગફળીનું વેચાણ કરી ચૂકયા છે અને  કુલ ૮.પ૦ લાખ કિવન્‍ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે.

ઉર્જા રાજય મંત્રી કૌશિકભાઇ વેકરીયાને આગમન વેળાએ મેયર ધર્મેશભાઇ પોશિયા, ડેપ્‍યુટી મેયર આકાશભાઇ કટારા, શહેર અગ્રણી ગૌરવભાઇ રૂપારેલીયા, શાસક પક્ષના નેતા મનનભાઇ અભાણીએ સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરવાની સાથે સાલ ઓઢાડી ભાવભેર આવકાર્યા હતા.

જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશ્નર તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા  સુબાધ ઓડેદરાએ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકાર્યા હતા.

આ તકે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પી.એ. જાડેજા, ઇન્‍ચાર્જ પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:55 PM IST)