News of Sunday, 7th December 2025
ખેડૂતોને ફટકો: હળવદના સુખપર નજીક કેનાલ કાંઠેથી ₹60,000ની કિંમતની 4 ઇલેક્ટ્રિક મોટરની ચોરી
સુખપર ગામની સીમમાં ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ નજીક બની ઘટના: ખેતરમાં પાણી માટે મૂકાયેલા 5 હોર્સ પાવરની 'દેડકા' મોટરો ચોરાઈ, પોલીસ દ્વારા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ.

હળવદ (મોરબી): મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સુખપર ગામની સીમમાં આવેલ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલના કાંઠેથી ઇલેક્ટ્રિક મોટરની ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. આ ચોરીના કારણે વિસ્તારના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. હળવદના શક્તિનગર, સુખપર ગામે રહેતા રમેશભાઈ સોંડાભાઈ પરમારે આ મામલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગત તા. ૦૫-૧૨ થી તા. ૦૬-૧૨ ની સવાર દરમિયાન બની હતી.
ફરિયાદ મુજબ, સુખપર ગામની સીમમાં આવેલ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલથી શક્તિનગર માઈનોર બ્રાંચ કેનાલમાં ફરિયાદી અને અન્ય ખેડૂતો દ્વારા પાણી ખેંચવા માટે પાંચ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટરો (જેને 'દેડકા' મોટરો પણ કહેવાય છે) મૂકવામાં આવી હતી. અજાણ્યો ચોર ઈસમ આ મોટરો પૈકીની ચાર મોટરો ચોરી કરીને લઈ ગયો છે, જેની કુલ કિંમત રૂ. ૬૦,૦૦૦ આંકવામાં આવી છે. કેનાલના કાંઠે ખેડૂતો દ્વારા મૂકવામાં આવતી મોટરોની ચોરી થવાથી સિંચાઈના કામમાં અવરોધ ઊભો થયો છે.
હળવદ પોલીસે રમેશભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને ઝડપી તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં મોટરોની ચોરીના બનાવો અવારનવાર બનતા હોય છે, જેના કારણે ખેડૂતો રાત્રિના સમયે તેમની મોટરોની સુરક્ષાને લઈને ચિંતિત રહે છે. પોલીસે હવે ચોરોની ટોળકીને પકડી પાડવા અને ખેડૂતોના મુદ્દામાલની રિકવરી કરવા માટે કાર્યવાહી તેજ કરી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
