<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

કોડીનાર ના વાલાદર ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો.

મોડી સાંજે ઘરે પરત ફરતી વખતે દીપડાએ મહિલા પર હુમલો કરી ગંભીર ઈજાઓ પોહચાડી. : પાછળ આવતા યુવાને હાંકલા પડકારા કરી દીપડા ને ભગાડી જીવ બચાવ્યો

કોડીનાર તા.7 : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગત મોડી સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પોતાના કાકાના ઘરેથી પરત ફરી રહેલા 55 વર્ષીય રસીદાબેન નૂરમોહમ્મદભાઈ બ્લોચ પર જાહેરમાં વંડી ટપીને અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, આ સમયે પસાર થઈ રહેલા એક યુવકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

 

ઘટનાના પ્રત્યક્ષદર્શી યુવક હરસુખભાઈએ સમગ્ર ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, "હું કોડીનારથી વલાદર તરફ મારા ઘરે જઈ રહ્યો હતો. એ દરમિયાન મારા આગળ જઈ રહેલા રસીદાબેન પર રસ્તાની બાજુમાંથી અચાનક દીપડો ત્રાટક્યો. મેં તરત જ જોરથી દેકારો કરતાં દીપડો મહિલાને છોડીને નાસી ગયો, જેથી રસીદાબેનનો જીવ બચી ગયો." દીપડાના હુમલામાં રસીદાબેનને ડોક અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે.

 

 જંગલની બોર્ડરને અડીને આવેલા વલાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા જેવા હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. જેને કારણે ગ્રામજનોમાં ભયની લાગણી વધુ ઘેરાઈ રહી છે અને વન વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.

ગામના રહીશ નૂરમહમદભાઈએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "વારંવાર દીપડાના હુમલાની ઘટનાઓ બને છે. પશુઓના રક્ષણ માટે લાકડી રાખીએ તો તંત્ર કાર્યવાહી કરે છે. હવે આવા હિંસક પ્રાણીઓ માનવ જીવ પર હુમલો કરે ત્યારે અમારે શું કરવું?" ગ્રામજનોએ વન વિભાગ દ્વારા દીપડાની દહેશતમાંથી કાયમી મુક્તિ મળે તેવી કડક માંગ કરી છે. હુમલાખોર દીપડાને ત્વરિત પાંજરે પૂરવા અને સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવા માટે માંગ ઉઠાવવામાં આવી છે.

 

ઘટનાની જાણ થતાં જ જામવાળા રેન્જ ફોરેસ્ટર બી.બી.વાળાની સૂચનાથી વન વિભાગની ટીમો તાત્કાલિક વલાદર ગામે પહોંચી હતી. વનવિભાગ દ્વારા ગામની આસપાસના વિસ્તારમાં 4 થી 5 જેટલા પાંજરાઓ મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(4:06 PM IST)