<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

રાષ્ટ્રને એક તાંતણે બાંધવાનો શ્રેય ડો. બાબા સાહેબ આંબેડકરને ફાળે: સાંસદ વિનોદ ચાવડા

કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર પરિનિર્વાણ દીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :   કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પરિનિર્વાણ દીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના કાર્યો અને વિચારોને જન જન સુધી પહોંચાડવાના આશય સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમથી પૂર્વે સર્વે અગ્રણીઓએ ટાઉનહોલ સામે આવેલી બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરીને તેમને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બાબા સાહેબ અમર રહો અને ભારત માતાકી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ઊર્જાન્વિત બની ઉઠ્યું હતું. સર્વે કાર્યકરોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે બાબા સાહેબના વિચારો આજે ભારતવર્ષની કરોડરજ્જુ બનીને કાર્ય કરી રહ્યા છે. ૧૪૦ કરોડના દેશને એક ઢાંચામાં ઢાળવો અને સર્વેને સમાન ન્યાય, સમાન અધિકારો અને સૌને સમાનપણે વિકાસયાત્રામાં સહભાગી કરવા એ બાબા સાહેબે રચેલ પવિત્ર સંવિધાનના અમલ સિવાય કોઈ કાળે શક્ય બને એમ નથી. આ રાષ્ટ્રને એક તાંતણે બાંધી રાખવાનો સંપૂર્ણ શ્રેય ડો. બાબાસાહેબ આંબેડકરના ફાળે જાય છે એમાં કોઈ બેમત નથી.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આજે બાબા સાહેબ સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમના વિચારો સંવિધાન વાટે સતત સૂક્ષ્મ દેહે આપણી વચ્ચે અવિરત પ્રવર્તી રહ્યા છે જેને આપણે બખૂબીથી અનુભવી રહ્યા છીએ, મહેસૂસ કરી રહ્યા છીએ. આજે આ રાષ્ટ્રના પ્રત્યેક ધર્મ, પ્રત્યેક જ્ઞાતિ, પ્રત્યેક સંપ્રદાયની વ્યક્તિ રાષ્ટ્ર સેવાના આ અખંડ યજ્ઞમાં પોતાના કૌશલ્ય અને પુરુષાર્થ વડે આહુતિ આપી શકે છે એ માત્ર અને માત્ર સંવિધાન અને બાબાસાહેબને આભારી છે.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે બાબા સાહેબ એક વ્યક્તિ નહીં પરંતુ વિચારધારા હતી જે આજે પણ અને આવનારી સદીઓ સુધી ભારતના લોકોના જનમાનસમાં ધબક્તી રહેશે. એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નહીં ગણાય કે અખંડ ભારતને વિકાસની સમાન કેડી પર દોરી જવાનું કામ ડોક્ટર ભીમરાવ આંબેડકરે બેનમુન રીતે કર્યું છે જેનો આજના ભારતની પ્રગતિ અને વિકાસની હરણફાળમાં સિંહફાળો ગણી શકાય.

આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર ભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો જયંતભાઈ માધાપરિયા, ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, પચાણભાઈ સંજોટ, જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલસિંહ જાડેજા, વિંજુબેન રબારી, સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પુરુષોત્તમભાઈ મારવાડા, કચ્છ ભાજપના વિવિધ મોરચાઓના જીલ્લા અધ્યક્ષો માવજીભાઈ ગુસાઈ, તાપસભાઈ શાહ, આમદભાઈ જત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા મહામંત્રી રવિભાઈ ગરવા એ કર્યું હતું જ્યારે આભાર વિધિ અન્ય મહામંત્રી પ્રેમજીભાઈ મંગેરીયાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતનભાઇ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

(9:27 AM IST)