<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ઢુવા ચોકડીએ બાઇક સાથે બાઇક અથડાતાં વાંકાનેરના ૨૬ વર્ષિય કેતન રાઠોડનું મોત

યુવાન સીએનજી પંપમાં નોકરી કરતો હતોઃ નાસ્‍તો લેવા જતી વખતે બનાવઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૮: વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતાં વાંકાનેરના ૨૬ વર્ષના યુવાનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. મૃત્‍યુ પામનાર યુવાન સીએનજી પંપમાં નોકરી કરતો હતો ત્‍યાંથી નાસ્‍તો લેવા જતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે રહેતો કેતનભાઇ ખીમાભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) રાતે બારેક વાગ્‍યે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે ઢુવા ચોકડી પાસે સામેથી બીજુ બાઇક આવતાં તેની સાથે અકસ્‍માત થતાં બંને બાઇકના ચાલક ફંગોળાઇ ગયા હતાં. જેમાં કેતનભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, શક્‍તિસિંહ, ધર્મેન્‍દ્રભાઇ અને રવિભાઇએ  વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કેતનભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે સીએનજી પંપમાં નોકરી કરતો હતો. રાતે નાસ્‍તો લેવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો. તેના પિતા કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. યુવાન અને આધારસ્‍તંભ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. 

(11:41 AM IST)