<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

પોરબંદરમાં લોકદરબાર યોજાયોઃ લોકો લેખિત રજૂઆતો સાથે અર્જુનભાઈ મોઢવાડીયાને મળ્‍યા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું.

લોકદરબારમાં અર્જુનભાઈ મોઢવાડીયા એ જણાવ્‍યું હતું કે, આજે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અટલ ભવન ખાતે પ્રજાના જુદા જુદા પ્રશ્‍નો સાંભળવા માટે લોકદરબાર રાખવામાં આવેલ અને તેમાં જે જે લોકોના પ્રશ્‍નો હતા તે લોકો લેખિત રજુઆત સાથે મને મળ્‍યા છે, અને એ બાબતે વહીવટી તંત્ર ને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે, આદરણીય ભુપેન્‍દ્રભાઈ પટેલ ની આગેવાની માં ભારતીય જનતા પાર્ટીની સરકાર જિલ્લા કક્ષાના જે કોઈ પ્રશ્‍નો હોય તેને સાંભળવા માટે દરેક જિલ્લા મથકો એ જઈને પ્રશ્‍નો સાંભળવાની સૂચનાઓ આપેલ છે અને અગાઉ પણ અમે અહીંયા ભારતીય જનતા પાર્ટીના યુવાનો સાથે લોકદરબાર કરતા રહ્યા છે અને તેનાથી પ્રજાના જે કોઈ પ્રશ્‍નો હોય તે સહેલાઇથી ઉકેલ આવે છે, અહીંયા પોરબંદરને વિશ્વના નકશા માં જે કાર્યવાહી ચાલે છે પરંતુ તેની સાથે જે નાના નાના પ્રશ્‍નો છે તેનો ઉકેલ લાવવો પણ જરૂરી છે, જે આપણે કરી રહ્યા છીએ.

આ લોકદરબારમાં રાજ્‍યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ પોરબંદર જિલ્લા ભાજપ મીડિયા સેલના સહ કન્‍વીનર હર્ષભાઈ રૂઘાણીની યાદીમાં જણાવાયું છે.

(12:02 PM IST)