<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ધ્રોલના મોટા વાગુદળ મગફળી ખરીદી કેન્‍દ્ર પર પૂર્વ ભાજપ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા ૧૦૦૦થી વધુ ખેડૂતો માટે વિનામૂલ્‍યે ભોજનની વ્‍યવસ્‍થા

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા.૮, ધ્રોલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ઇન્‍ડી એગ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. બજારભાવ કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોવાથી ખેડૂતો મોટી સંખ્‍યામાં પોતાની મગફળી વેચવા માટે ખરીદી કેન્‍દ્રો પર ઉમટી રહ્યા છે.

આ ખરીદી પ્રક્રિયામાં પોતાનો વારો આવે તેની રાહ જોતા ખેડૂતોને આગલા દિવસની રાતથી જ લાઈનમાં ઊભા રહેવું પડે છે, જેના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ખાતેના મગફળી ખરીદી કેન્‍દ્ર પર ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.

ખેડૂતોની હાલાકીને જાતે અનુભવતા, રાજભા જાડેજાએ આ ખરીદી કેન્‍દ્ર પર દરરોજ બપોરે એક હજારથી વધુ ખેડૂતો માટે વિનામૂલ્‍યે ભોજન જમણવારની વ્‍યવસ્‍થા શરૂ કરી છે. જે ખેડૂતો પોતાનો વારો આવી જશે તેવી આશામાં ઘરે જમવા પણ જતા નથી, તેમના માટે આ ભોજન વ્‍યવસ્‍થા આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

પૂર્વ પ્રમુખ રાજભા જાડેજાની આ સેવાકીય પ્રવળત્તિથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન ગણેશભાઈ મુંગરા, ધ્રોલ તાલુકા ભાજપના મહામંત્રી કલ્‍પેશભાઈ માલાણી, તેમજ અન્‍ય અગ્રણી આગેવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને આ સેવાકાર્યની સરાહના કરી હતી.

(1:03 PM IST)