News of Tuesday, 9th December 2025
ત્રણ ટાબરીયાઓએ કર્યો જ્યોર્જીયામાં કમાલઃ યુસીમાસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોંડલનું નામ રોશનઃ આંખનાં પલકારે ગણ્યાં ૨૦૦ દાખલા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ગોંડલનાં ત્રણ બાળકોએ જ્યોર્જીયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુસીમાસ સ્પર્ધા માં કાબેલિયત દાખવી ગોંડલ ને ગૌરવ અપાવ્યું છે.
ધારો કે કોઈ તમને મોબાઈલ નંબર બોલે તો તમે કેટલી ઝડપ થી આ ૧૦ આંકડા ના મોબાઈલ નો સરવાળો કરી શકો ? ૧ મિનિટ માં ૨૫ થી વધારે દાખલાઓ ગણી શકાય ? કોઈ પૂછે કે ૭૮૬ ને ૯ વડે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે ? શુ આવો જવાબ કોઈ સાંભળતાવેત તરત જ આપી શકે ? અને કદાચ જો કેલ્કયુલેટર માં આ જોઈએ તો પણ ૬ સ્વિચ દબાવતા પણ ૩ સેકન્ડ તો થાય, અને જો જવાબ લખવાનું કહે તો ૨ આંકડા લખવા માં પણ ૨ સેકન્ડ તો જોઈએ. અને હવે જો કોઈ પૂછે કે ૧ મિનિટ માં આવા કેટલા સરવાળો બાદબાકી , ભાગાકાર કે ગુણાકાર થઈ શકે તો આપ નો જવાબ શુ હોય વિચારો જરા ?
આજે જ્યારે ઘણા બધા બાળકો માટે ગણિતનો વિષય અઘરો સાબિત થઈ રહ્યો છે, ત્યારે એવા પણ ટાબરીયાઓ છે કે જેના માટે સરવાળા હોય કે બાદબાકી , ગુણાકાર હોય કે ભાગાકાર વગેરે બધું જ રમતવાત બની ગઈ છે. વર્તમાન સમયમાં જ્યારે મોટાભાગના માતા-પિતા માટે મોબાઈલ એક સમસ્યા થઈ ગયો છે અને બાળકોને શું પ્રવળત્તિ કરાવી તે એક પ્રશ્ન થઈ ગયો છે ત્યારે એવા પણ શિક્ષકો , બાળકો અને માતા-પિતા છે જે હંમેશા પોતાની પોતાની જાતને નવી ચેલેન્જ આપ્યા કરે છે.
જ્યોર્જીયા ખાતે યુસીમાસની આંતરરાષ્ટ્રીય મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિશ્વ ના ૨૦ થી વધુ દેશ ના ૧૫૦૦ થી વધુ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.જેમાં ગોંડલ ના ત્રણ બાળકો એ અલગ અલગ કેટેગરીમાં ભાગ લેવા માટે જ્યોર્જીયા ગયા હતા. તેમાં ડોબરીયા જિયાંન પરાગભાઈ એ A2 કેટેગરી માં સેકન્ડ રનર અપ તેમજ A1 કેટેગરી માં માવાણી તુલસી અતુલભાઈ અને ઉદેશી હેતાંશ સિદ્ધાર્થભાઈ એ સેકન્ડ રનર અપ તરીકે રેન્ક મેળવેલ. આ બાળકો ને યુસીમાસ ઇન્ડિયા ના હેડ સ્નેહલ કારીયાના હસ્તે ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવેલ હતા.
આ બાળકોને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાળકો લગભગ છેલ્લા ૪ મહિના થી આ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા હતા. રોજ ની ૪ થી ૬ કલાક ની આ બાળકો એ મહેનત કરેલ. અબેકસ પર આ બાળકોની ગજબની પકડ છે અને હવે ગણિત તો તેમના માટે એકદમ સરળ બની ગયેલ છે. માર્ક્સ મહત્વ ના કે કોઈ એક ચોક્કસ આવડત ? જ્યારે કોઈ પણ ને આ પ્રશ્ન પૂછવામાં આવે તો ચોક્કસ કહેશે કે આવડત જ. હવે પછી ના સમય માં કોઈ પણ બાળક પાસે એક સ્કિલ અને મનગમતા ફિલ્ડ માં પોતાની શ્રેષ્ઠતા હોવી ખૂબ જ જરૂરી છે ત્યારે આ બધા નો આધાર તો બાળપણ જ ને. કોઈ પણ બીજ એમ ને એમ તો વટવળક્ષ નહિ થતું ને. આ આવડત તેમણે અબેકસ ના માધ્યમ થી વિકસાવી છે.અબેકસ દ્વારા બાળકોની એકાગ્રતા , નિરીક્ષણ શક્તિ , ઝડપ , યાદ શક્તિ આ બધું ખૂબ જ વધે છે.માતા પિતા જો બાળક ને મોબાઈલ ના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવળત્તિ માં લગાડે તો ચોક્કસ બાળક માં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. નવી એજ્યુકેશન પોલિસી પણ બાળકોને આ જ બાબત પર લઈ જાય છે. કોઈ પણ બાળક નું લક્ષ્ય માર્ક્સ નહિ , સ્કિલ ને ડેવલપ કરવા માટે હોવું જોઈએ.સાથે જ માતા પિતા એ અપેક્ષા રાખ્યા વગર બાળક ને કોઈ પણ એક ક્ષેત્ર માં નિષ્ણાત બનાવવા નો છે.અને જો એની પાસ કોઈ પણ એક સ્કિલ હશે તો એ કયાંય પાછો નહિ પડે. બાળકો માં અદભુત શક્તિ ઓ પડેલ છે. તેમના માં આ શક્તિઓ ને ઉજાગર કરવા માટે જરૂર હોય છે કે તેમને યોગ્ય વ્યક્તિ દ્વારા ચોક્કસ માર્ગર્શન મળી રહે. માતા પિતા એ બાળકો માં પૂરો વિશ્વાસ મૂકી ને તેમને મનગમતા ક્ષેત્ર માં વિકાસ કરવા માટે માત્ર પૂરતી તક આપવી એટલું જ નહીં પ્રોત્સાહન અને સમય પણ આપવો પડે. રાતોરાત કોઈ જ સિદ્ધિ નહિ મળતી. સતત , સખત અને યોગ્ય દિશામાં જો થાકયા કે નિરાશ થયા વગર જો કોઈ પણ બાળક મેહનત કરે તો તે ધારે તે મેળવી શકે.ગોંડલ ના આ બાળકો ની સિદ્ધિ માટે તેમને ગોંડલ ના પ્રબુદ્ધ નાગરિકો અને સંસ્થાઓ દ્વારા આ અનેરી સિદ્ધિ માટે અભિનંદન આપવામાં આવી રહયા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
