<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગીર સોમનાથ જિલ્‍લામાં ચાલુ રવિ સિઝનમાં ૮૧૫૦ મે.ટન યુરીયા ખાતરની સપ્‍લાય થઈ

કોડીનારના અડવી ગામમાં ફરીયાદવાળુ ડી.એ.પી. ખાતર ધારાધોરણ મુજબનું

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૧૦: ગીર સોમનાથ જિલ્‍લામાં ચાલુ રવિ સિઝનમાં અંદાજીત ૮૦,૧૬૦ હેક્‍ટર વિસ્‍તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે અને હાલ ચાલુ વાવેતરમાં છે. જેમાં મુખ્‍યત્‍વે ઘઉ, ચણા,ધાણા, શેરડી, ડુંગળી અને ઘાસચારા પાકોનું વાવેતર કરાયું છે.

જિલ્‍લાના ખેડૂતોને વાવેતર કરેલા જુદા જુદા પાકો માટે પુરતા પ્રમાણમાં યૂરિયા ખાતર મળી રહે તે અંગે નિયમીત રીતે ઉત્‍પાદક કંપનીઓ અને વિતરક સંસ્‍થાઓ સાથે સંકલન કરી તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જે અન્‍વયે ચાલુ રવિ સિઝનમાં તારીખ ૧-૧૦-૨૫ થી ૦૯-૧૨-૨૫ સુધીમાં જિલ્‍લાના તમામ તાલુકાઓમાં જુદા-જુદા વિક્રેતાઓને ત્‍યાં ૮,૧૫૦ મે.ટન (૧,૮૧,૧૧૧ બેગ) યૂરિયા ખાતરનો જથ્‍થો સપ્‍લાય કરેલો છે અને ચાલુ મહિનામાં ૮,૪૦૦ મે. ટન યુરીયા ખાતરની સપ્‍લાય થાય તે મુજબનું સપ્‍લાય આયોજન કરાયું છે.

જેથી જિલ્‍લામાં યૂરીયા ખાતરની સપ્‍લાય અવિરત ચાલુ રહેશે તો જિલ્‍લાના દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે, યૂરિયા ખાતર નહી મળે તેવી ખોટી અફવાઓ તરફ ધ્‍યાન ન રાખી, ખાતરનો બીનજરૂરી સંગ્રહ ન કરવો અને જરૂરીયાત પુરતું ખાતર ખરીદ કરવું.

વધુમાં કોડીનાર તાલુકાના અડવી ગામે ડી.એ.પી. ખાતરમાં કાળી કાકરી નીકળવાના પ્રસિધ્‍ધ થયેલ સમાચાર અંગે સબંધીત અધિકારીઓ દ્વારા આનુસાંગીક તપાસ કરી ડી.એ.પી. ખાતરના નમૂનાઓ લઇ સરકાર માન્‍ય લેબોરેટરીમાં પૃથ્‍થકરણ કરાવતા ડી.એ.પી. ખાતર ધારાધોરણ મુજબનું જણાયેલ છે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્‍તરણ)-ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે

(10:08 AM IST)