<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ભાવનગર એસ.ટી વર્કશોપમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

છ ડ્રાઇવર સહિત આઠ સામે પોલીસ ફરિયાદઃ ૧૦૯ બોટલ કબ્‍જે

ભાવનગરના એસટી વર્કશોપ માંથી દારૂ ઝડપાયો તેની તસ્‍વીરો 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: પાનવાડી વિસ્‍તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની નાની મોટી ૧૦૯ બોટલ મળી આવતા પોલીસે કબ્‍જે કરી હતી.  પોલીસે એસટીના છ ડ્રાઈવરો સહિત કુલ આઠ સામે ગુનો નોંધ્‍યો છે. અને પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરો તેમની નોકરી દરમ્‍યાન છૂટક વેચાણ માટે દારૂ લાવતા હોવાનું ખુલવા પામ્‍યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નિલમબાગ પોલીસ  સ્‍ટેશનના પીએસઆઈ મકવાણા સહિતના સ્‍ટાફે વર્કશોપ માં દરોડો પાડતા  શેડમાં આવેલી ડ્રાઈવરોના સામાન રાખવાની ઓરડીમાં તલાશી દરમિયાન જુદા જુદા ડ્રાઈવરોની તાળા મારી રખાયેલી પેટીઓમાંથી તેમજ વર્કશોપ ના બાથરૂમમાં છુપાવી રાખેલ  દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અને પોલીસના દરોડા દરમિયાન ડેપો મેનેજર સહિતના અધિકારીઓ સ્‍થળ પર દોડી આવ્‍યા હતા.

દરમ્‍યાનમાં એસટી વર્કશોપમાંથી દારૂ મળી આવતા આ મામલે નિલમબાગ પોલીસે આ મામલે વિરેન્‍દ્રસિંહવાઘેલા (બરોડાની બસના ડ્રાઇવર), અર્જુનસિંહ ગોહિલ (દીવની બસનાડ્રાઈવર), નરેન્‍દ્રસિંહ જાડેજા(દીવની બસના ડ્રાઈવર), મિતુલભાઈ ખેરડીયા (બરોડાનીબસના ડ્રાઈવર),અજીત સિંહજાડેજા (દીવની બસના ડ્રાઈવર)  તેમજ હિરેન્‍દ્રસિંહ પઢિયાર (દીવની બસના ડ્રાઈવર) મળી કુલ ૮ શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો હતો.

 આ તમામ ડ્રાઈવરો પોતાની નોકરી દરમ્‍યાન  દારૂની બોટલો વેચાણ માટે લાવતા હોવાનું ઝડપાયેલા એસટી વર્કશોપના સિકયુરિટીગાર્ડ હીરા ઉર્ફે કિશન બચુભાઈ ગોહેલને વેચાણ માટે આપતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં  ખુલવા પામ્‍યું છે.આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:28 AM IST)