News of Wednesday, 10th December 2025
NICU અને મિલ્ક બેંક થકી કચ્છમાં ઓછા વજનવાળા બાળકોનું બચી જવાનું પ્રમાણ વધ્યું
અદાણી સંચાલિત કચ્છની સરકારી હોસ્પિટલ જી. કે. જનરલ દ્વારા મિલ્ક બેંકમાં માતાનું દૂધ સ્ટોર કરી એના જ બાળકને અપાય છે જેના પ્રોત્સાહક પરિણામો મળ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : અદાણી સંચાલિત કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે.જનરલ ના બાળરોગ વિભાગમાં અતિ આધુનિક નવજાત ઘનિષ્ઠ સંભાળ(NICU) અને આનુસંગિક સગવડોમાં વધારો થતાં ઓછા વજન ધરાવતા અને અકાળે જન્મેલા નવજાત શિશુના બચી જવાના પ્રમાણમાં વધારો થયો છે અને તેનું પ્રમાણ ૮૨થી ૮૫ ટકા સુધી થયું હોવાનું આ વિભાગના બાળરોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
હોસ્પિટલના NICU વિભાગના નિષ્ણાત તબીબ અને નિયોનેટોલોજીસ્ટ ડો.સંદીપ ટીલવાણીએ અને વિભાગના વડા ડો.રેખાબેન થડાનીએ જણાવ્યું કે,આ વિભાગમાં દર મહિને ઓછા વજન વાળા ૧૦૦- ૧૨૦ જેટલા બાળકો સારવાર લેતા હોય છે.નવજાતને કોઈ મોટી બીમારી ન હોય અથવા તો અત્યંત ઓછું વજન ના હોય તો મોટા ભાગે બચાવી લેવાય છે.૬૦૦ ગ્રામ જેટલું અત્યંત ઓછું વજન ધરાવતા બાળકને પણ બચાવાયું હોવાના દાખલા મોજુદ છે.
તબીબોના જણાવ્યા મુજબ આધુનિક NICU ઉપરાંત અત્રે મિલકબેંક શરૂ થવાને કારણે ઓછા વજન ધારક બાળકોનું જીવન પ્રમાણ વધ્યું છે.
ઓછા વજન વાળું બાળક હોય અને અધૂરા મહિને જન્મેલું હોવાના કારણે બાળકમાં શક્તિના અભાવે માતાનું ધાવણ સીધે સીધું લઈ ન શકવાને કારણે મિલ્ક બેંકના ઉપકરણોની મદદથી માતાનું દૂધ સ્ટોર કરવામાં આવે છે. અને માતાનું દૂધ એના જ બાળકને અપાય છે.જેના પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થયા છે.એમ બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દતાણીએ જણાવ્યું હતું.
અલ્પ વજનવાળા બાળક કોને કહેવાય એ અંગે ડૉક્ટરોએ જણાવ્યું કે, અધૂરા મહિને જન્મેલું અને ૨.૫ કી. ગ્રામથી ઓછું હોય તો તેમને જીવન માટે ઘનિષ્ઠ સારવારની જરૂર પડે છે.વજનની માત્રા પ્રમાણે સારવારની સઘનતા નિર્ધારિત થાય છે.ઓછા વજન ઉપરાંત વધારે ઓછું વજન ૧.૫ કી.ગ્રા અને અત્યંત ઓછું વજન એટલે ૧ કી.ગ્રા થી ઓછું હોય તેને આ શ્રેણીમાં ગણવામાં આવે છે.એમ ડો.તરલ કેસરાણીએ જણાવ્યું હતું
સારવાર અંગે તેમણે કહ્યું કે,વજન ઓછું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ,માથામાં રક્તસ્ત્રાવ,દૂધ પીવડાવવામાં તકલીફ,સંક્રમણ વિગેરે હોતાં સારવારની આવશ્યકતા ઊભી થાય છે.બાળક ઓછા વજન વાળું કેમ અવતરે છે તેવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે,જે માતાને ઘણાં બાળકો હોવા, ગર્ભવતી હોય ત્યારે કાળજી લેવાઈ ન હોય, તેમજ પેટમાં બાળક હોય ત્યારે માતાનું સ્વાસ્થ્ય અને સક્ષમ પોષણ ન મળે ત્યારે આ દ્વિધા સર્જાય છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
