<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

સુરેન્‍દ્રનગરની જેલમાંથી પેરોલ રજા પર છુટી ફરાર હત્‍યાના ગુનાનો કેદી વિજય પકડાયો

રાજકોટ પેરોલ ફરલો સ્‍કોડના પીએસઆઇ જે.જી.તેરૈયા તથા ટીમે આજી જીઆઇડીસીમાંથી દબોચ્‍યો

રાજકોટ, તા., ૧૦ : સુરેન્‍દ્રનગરની જેલમાંથી પેરોલ રજા પર છુટી ફરાર શખ્‍સને રાજકોટ પેરોલ ફરલો સ્‍કવોડની ટીમે આજી જીઆઇડીસી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ત્રણેક વર્ષ પહેલા તરણેતરના મેળામાં પીકઅપ વાહનમાં પેસેન્‍જર સાથે માથાકુટ થવાના કારણે ત્રણ આરોપીએ પીકઅપ ચાલક દેવરાજભાઇ ઘુઘાભાઇ સોલંકીને ઇંટોના ઘા મારી હત્‍યા કરી હતી આ બનાવ અંગે ચોટીલા પોલીસે હત્‍યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લઇ સુરેન્‍દ્રનગર જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં સજા ભોગવતો કાચો કેદી વિજય ઉર્ફે વિજયલો નાથા સોલંકી (ઉ.વ.૩૦) (રહે. આનંદનગર શેરી નં. ૩ પાણીના ટાંકા પાસે આજી ડેમ જીઆઇડીસી) જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ફરાર થઇ ગયો હતો. આ કેદી રાજકોટમાં આવ્‍યો હોવાની રાજકોટ પેરોલ ફરલો સ્‍કવોડની ટીમને બાતમી મળતા પીઆઇ બી.એમ.ઝણકાંટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.તેરૈયા તથા સ્‍ટાફે કેદી વિજય ઉર્ફે વિજલો સોલંકીને આજી જીઆઇડીસીમાંથી પકડી લઇ સુરેન્‍દ્રનગર સબ જેલ હવાલે કર્યો હતો.

આ કામગીરી પીએસઆઇ જે.જી.તેરૈયા, એએસઆઇ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, વિનોદભાઇ બેરડીયા, હેડ કોન્‍સ. તેજનભાઇ ચાવડા, જયદીપસિંહ બોરાણા , કોન્‍સ. દિનેશભાઇ વાળા દ્વારા કરવામાં આવી હતી.

(11:41 AM IST)