<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

તેરમી એ નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેશે

શિયાળે ઠંડીની આક્રમકતા, કમોસમી માવઠુ, વાતાવરણમાં બદલાવ, કે હીમ પડવા જેવી ઘટનાઓનું કારણ આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ જ બનતા હોય છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦ :.. નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આગામી ૧૩ ડીસેમ્‍બરને શનિવારે જમ્‍મુ - કાશ્‍મિર લદાખ પરથી પસાર થશે તેમ આઇએમડીનો વર્તારો જણાવે છે. જો કે આ નવું દસ્‍તક દેનારૂ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ અગાઉ પસાર થઇ ચૂકેલા ડબલ્‍યુડીથી થોડુ વધુ મજબૂત હોવાનું તારણ વેધર એનાલીસિસ્‍ટો દ્વારા કરાઇ રહ્યું છે.

આગામી તેરમીનું નવું ડબલ્‍યુડી જો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ બરફ વર્ષ વરસાવે તો તેની ચોકકસ અસર ગુજરાતમાં પણ પડી શકે છે. અને ભારે ઠંડી સાથે કાતિલ ઠંડા પવનો પણ ગુજરાત તરફ વહી શકે છે. જો કે તેનો સમગ્ર આધાર ડબલ્‍યુડીનો દક્ષિણ તરફ ઝૂકાવ રહે તેના પર રહે છે. એ ચોકકસ છે કે ડબલ્‍યુડીના આગમન આસપાસ પવનોની દિશામાં બદલાવ આવ્‍યે ગુજરાતમાં ધુમ્‍મસનું પ્રમાણ જોવા મળી શકે છે.

ગુજરાતમાં શિયાળે ઠંડીની આક્રમકતા, કમોસમી માવઠુ, વાતાવરણમાં બદલાવ કે હીમ પડવા જેવી ઘટનાઓનું કારણ આ વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ જ બનતા હોય છે. અને એટલે જ નવું ડબલ્‍યુડી કેટલું મજબૂત છે ? તે તરફ ખાસ કરીને ગુજરાતના વેધર એનાલીસીસ્‍ટોની ચાંપતી નજર રહેતી હોય છે. હાલ વધેલી ઠંડી પસાર થઇ રહેલા નબળા ડબલ્‍યુડીને કારણે અનુભવાઇ રહી  છે. તેમજ પાડોશી રાજયમાં કોલ્‍ડવેવની સ્‍થિતિ પણ છે. 

(11:56 AM IST)