News of Thursday, 11th December 2025
ઉપલેટાના રાજપરામાં કાનાભાઇને જમવાના અને પૈસાના ડખ્ખામાં કુટુંબી ભત્રીજાએ પતાવી દીધા
કાકા ઢાંક તરફ જતાં હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થઇ છે તેવી વાત કરી પોલીસને ઉંધે પાટે ચડાવનારો ભત્રીજો જ હત્યારો નીકળ્યોઃ બાઇકમાં નુકસાની જોવા મળી હતી પણ પ્રોૈઢના શરીરે અકસ્માત જેવી ઇજા નહોતી : ભાયાવદર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધી શકમંદ વિરમ જોગને ઉઠાવી લઇ પુછતાછ કરતાં હત્યા કબુલીઃ મૃતક ૫૦ વર્ષિય કાનાભાઇના દિકરી દેવીબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ

રાજકોટ તા. ૧૧: ઉપલેટા તાલુકાના રાજપરા ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં કાનાભાઇ મેરૂભાઇ જોગ નામના ૫૦ વર્ષના પ્રોૈઢની લાશ બે દિવસ પહેલા તેમની વાડીએથી મળી હતી. ત્યારે કુટુંબી ભત્રીજા વિરમ જોગે કાકા કાનાભાઇ બાઇક લઇને ઢાંક તરફ જતાં હતાં ત્યારે પડી જતાં ઇજા થયાની સ્ટોરી ઘડી હતી. પરંતુ મૃતકના શરીર પર કોઇ છોલછાલના નિશાન ન હોઇ શંકા ઉપજી હતી. પોસ્ટમોર્ટમ થતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. જમવા આવવાની કાકાએ ના પાડી હોઇ તેમજ બંને વચ્ચે પૈસા મામલે ડખ્ખો થયો હોઇ ખા રાખી ભત્રીજાએ હત્યા કર્યાનું ખુલતાં પોલીસે ધરપકડ કરી છે. હત્યા બાદ તેણે બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.
ભાયાવદર પોલીસ હત્યાનો ભોગ બનનારના પુત્રી દેવીબેન કાનાભાઇ જોગ (ઉ.વ.૨૦) જે નર્સ તરીકે નોકરી કરે છે તેણીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે. તેણીએ પોલીસ સમક્ષ જણાવ્યું કે તેના પિતા કાનાભાઈ મેરૂભાઈ જોગ (ઉ.વ.૫૦)નું તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ વાડી પર શંકાસ્પદ સંજોગોમાં મળત્યુ થયું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે દેવીબેનના પિતરાઈ ભાઈ વિરમ જોગ છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી તેમના ઘરે જમતા હતા અને વાડીના ખેતીકામમાં મદદ કરાવતા હતા. ઘટનાના ચાર દિવસ પહેલા પિતા કાનાભાઈને વિરમ સાથે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી કાનાભાઈએ વિરમને ઘરે આવવાની અને જમવાની ના પાડી દીધી હતી. જો કે દેવીબેને સમાધાન કરાવ્યું હતું અને વિરમ ફરીથી તેમના ઘરે જમવા આવવા લાગ્યો હતો.
આ પછી ગત તા. ૯ના રોજ બપોરે પોણા બે વાગ્યાની આસપાસ દેવીબેનની માતાનો ફોન આવ્યો હતો કે વિરમ તેના પિતા કાનાભાઈને મોટરસાયકલ પર બેસાડી વાડીએ લઈ ગયો છે. ત્યારબાદ સાંજે સવા ચારેક વાગ્યે ફરી ફોન આવ્યો કે કાનાભાઈ સ્કૂટર પરથી પડી ગયા છે અને ઈજાગ્રસ્ત થયા છે. દેવીબેન તરત જ વાડીએ પહોંચી તો તેના પિતા ખાટલામાં મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા અને તેમને કપાળના ભાગે, નેણ ઉપર અને જમણા નસકોરા પાસે ઈજાઓ થઈ હતી અને લોહી નીકળેલું હતું.
સ્થળ પર હાજર વિરમે જણાવ્યું કે તેના પિતા મોટરસાયકલ લઈને ઢાંક ગામ તરફ જતા હતા ત્યારે મોટરસાયકલ સ્લીપ થઈ જતાં ઈજા થઈ છે અને તે તેમને ત્યાંથી વાડીએ લાવ્યો છે. પણ દેવીબેને મોટરસાયકલ જોયું તો આગળનો મોરો ભાંગી ગયો હતો અને આગળની બન્ને સાઈડની લાઇટ તૂટી ગઈ હતી, પણ તેના પિતાને શરીર પર કોઈ છોલાયેલ કે અન્ય કોઈ ઈજાના નિશાન નહોતા. પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં તીક્ષ્ણ અને બોથડ પદાર્થ વડે માથામાં ગંભીર ઈજા થવાના કારણે મરણ થયાનું તારણ નીકળ્યું હતું.
પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના તારણ પરથી હત્યાનો ગુનો નોંધી મૃતકના ભત્રીજા વિરમ જોગને શંકાના દાયરામાં રાખી તેની પુછતાછ કરતાં અંતે તેણે હત્યા કબુલી લીધી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અગાઉના પૈસા બાબતના ઝઘડાનો ખાર રાખીને વિરમે કાકા કાનાભાઇને બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી હત્યા નિપજાવી અને વાહન અકસ્માતનો ખોટો બનાવ ઊભો કર્યાનું ખુલતાં પીઆઇ વી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસે ફરિયાદ નોંધીને ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે. (૧૪.૫)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
