તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Thursday, 11th December 2025
મનહરભાઈ મણિયારનો સંથારો સીજ્યોઃ પાલખી યાત્રા
પૂ.ધીરગુરૂદેવના શાલીન સાનિધ્યે ઉપલેટામાં ૧૨મા ઉપવાસે : ઉપલેટા શ્રી સંઘમાં પ્રથમ વખત ઐતિહાસિક સંથારાની આરાધના પૂર્ણ

રાજકોટ, તા.૧૧: ઉપલેટામાં પૂ.શ્રી ધીરગુરૂદેવના શાલીન સાનિધ્યે શ્રી મનહરભાઈ મણીયારનો ૧૨મા ઉપવાસે આજે સંથારો સીજી ગયો હતો.
ભાણવડ તાલુકાના જશાપર ગામમાં વસતાં શાહ પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર ૫૦ વરસ સુધી સરપંચ પદે સેવારત હતા. ઉપાશ્રય, પ્રાથમિક શાળા, ચબુતરો, પાણીનો કુવો, રામ મંદિર વગેરેના નિર્માણમાં સહભાગી બન્યા હતાં. ૧૩ વર્ષની ઉંમરથી જીવન પર્યંત રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો.
માતા શાંતાબેન અને પિતા પોપટભાઈના ગળહાંગણે તા.૨૬-૧-૧૯૪૦ ના જન્મેલા શ્રી મનહરભાઈ (બટુકભાઈ) મણિયારે ૧૯૬૨ માં અખાત્રીજના ઉપલેટા વસવાટ કર્યા બાદ ૧૯૬૩ માં જુનાગઢ ના લાલજી આણંદજી હેમાણીના સુપુત્રી હંસાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા બાદ સ્મિતા, ચેતના, તુષાર અને વર્ષા એમ ચાર સંતાનો થયા. ચાંદતારા બિલ્ડિંગ, નટવર રોડ ખાતે અનાજ કરિયાણાની દુકાન અને દોશી શેરીમાં દોશી બિલ્ડિંગ માં વર્ષોસુધી વસવાટ કર્યા બાદ ધર્મપત્ની હંસાબેનના દેહવિલય પછી ૨૦૧૨થી નવાપરા, રામજી મંદિર પાસે રહેવા આવ્યા.
શ્રી મનહરભાઈ, સ્વ.નવીનભાઈ, જશવંતભાઈ અને ધીરજભાઈ એમ ચાર ભાઈઓ છે. તા.૧૫-૦૨-૧૯૮૨ ના ઉપલેટા સંઘમા મનહરભાઈ ના ૮૦ વર્ષિય પિતાશ્રી પોપટભાઈ અને ૨૪ વર્ષના નાના ભાઈ ધીરજકુમાર મણિયારે આચાર્ય પૂ. જશાજી સ્વામીના પાટાનુપાટ જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી પૂ.પ્રેમમુનિ મ.સા. અને પૂ.ધીરજમુનિ મ.સા. નામકરણ જાહેર કરવામાં આવેલ.
૧૯૯૬ માં દુકાન બંધ કર્યા બાદ રાજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કાર્યરત હતા. ઉપલેટાના શેઠ પરિવારના પૂ. પ્રદીપમુનિ મ.સા. એ ૧૯૯૭માં રાજસ્થાનમાં બાલોતરા ગામે તપસ્વીરાજ પૂ. ચંપાલાલજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા અંગિકાર કરેલ. તેમજ જયપુરના પૂ. શાલિભદ્રમુનિ મ. સા. એ સજોડે ૧૯૯૪માં કરોડોની સંપત્તિનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરેલ.
શ્રી મનહરભાઈ પૂ. ધીરગુરુદેવ તેમજ પૂ. શાલિભદ્રમુનિ મ.સા. , પૂ. પ્રદીપમુનિ મ.સા.ના દર્શનાર્થે તેમજ પર્યુષણ આરાધનાર્થે જતા હતા. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાયની આરાધના કરનાર મનહરભાઈએ જશાપર, ધોરાજી, વડિયાદેવળી ર્બોડિંગમાં ૧૧ ધોરણ સુધી અભ્યાસ કરેલ. પંડિત રોશનલાલજી જૈન દ્વારા આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત કરેલ.
તાજેતરમાં પૂ. શાલિભદ્રમુનિ મ.સા. એ ૧૬ દિવસની સંથારાની આરાધના કર્યા બાદ કાળધર્મ પામ્યા તે સમાચાર જાણી મનહરભાઈએ મનોમન દૃઢ સંકલ્પ કરી તા. ૩૦-૧૧-૨૫ ના સવારે ૯:૪૬ કલાકે સ્વયં આજીવન ચોવિહાર સંથારો, મૌન સહિત અંગીકાર કરી આત્મભાવમાં મળત્યુને મહોત્સવ બનાવવા કર્મ સામે કેસરિયા કરવા સજ્જ બન્યા. સંથારાની અનુમોદનાર્થે પૂ. ધીરગુરુદેવ પધારતાં સંઘમાં ધર્મોત્સાહ છવાયો હતો.
આજે તા.૧૧ના રોજ ૧૨મા ઉપવાસે શ્રી મનહરભાઈનો સંથારો સવારે ૪:૪૫ કલાકે સમાધીભાવે સીજી ગયો છે. તેમની પાલખી યાત્રા બપોરે ૩ કલાકે સૂરજવાડી બગીચા સામે, બડા બજરંગ રોડ ખાતેથી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓ જોડાયા હતા
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
