<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

સરધાર પાસે હિટ એન્‍ડ રનઃ બાઇકને ઠોકર મારી કારચાલક ભાગ્‍યોઃ ભાર્ગવ રાઠોડનું મોત

૨૨ વર્ષનો યુવાન સરધારથી પોતાના ઘરે સર ગામે જતો હતો ત્‍યારે બનાવઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: સરધાર નજીક હિટ એન્‍ડ રનના બનાવમાં સર ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. આ યુવાન એકાઉન્‍ટન્‍ટ તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

જાણવા મળ્‍યા મુજબ સરધારના સર ગામે રહેતો ભાર્ગવભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) નામનો યુવાન સવારે સાડા અગીયારેક વાગ્‍યે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે સરધાર પાસે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ભાર્ગવભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભાર્ગવભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે. પોતે ગોંડલમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે કામ કરતો હતો. સવારે તે કોઇ કામ માટે સરધાર ગયો હતો, ત્‍યાંથી પરત સર ગામે  ઘરે જતી વખતે રસ્‍તામાં અકસ્‍માત નડયો હતો. પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:08 PM IST)