<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

મોરબી: એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી મહિલા: 181 ટીમ અભયમની તાત્કાલિક દોડધામ, પરિવાર સુધી સલામત પહોંચાડતા પ્રસંસનીય કામગીરી.

181 ટીમે મહિલા ને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડતા માનવીય સંવેદના અને તાત્કાલિક પ્રતિભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અભયમ 181 પર એક જાગૃત નાગરિકનો તાત્કાલિક કોલ પ્રાપ્ત થયો કે એક અજાણી બહેન તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેભાન હાલતમાં પડી હતી અને મદદની ખૂબ જરૂર હતી. કોલ મળતાની સાથે જ 181 ટીમ ઝડપી ગતીએ સ્થળ તરફ રવાના થઈ.


સ્થળ પર પહોંચતા ટીમે જોયું કે બહેન જમીન પર સૂતા હાલતમાં હતી. અનેક પ્રયત્નો બાદ તેમને જગાડવામાં આવી. કોલ કરનારનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે આ બહેન બે-ત્રણ કલાકથી એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં પડી હતી અને થોડા સમય પહેલા એક છોકરી સાથે આવી હતી. પરંતુ બાદમાં તે છોકરી ક્યાં ગાયબ થઈ તે સ્પષ્ટ નહોતું.

181 ટીમે બહેનનું કાઉન્સિલિંગ કર્યું જેમાં બહેન પોતાનું નામ તો જણાવે છે પરંતુ સરનામું બે અલગ-અલગ આપે છે. સોશિયલ મીડિયા મારફતે તપાસ ચલાવતા ટીમે બહેનનું સાચું સરનામું શોધી કાઢ્યું. બહેનની તબિયત સામાન્ય ન હોય 108 બોલાવવામાં આવી, પરંતુ બહેને હોસ્પિટલ જવાનું નકારી વાનમાં જ પ્રાથમિક સારવાર લીધી.

બાદમાં 181 ટીમ બહેનને તેમના જણાવેલ સરનામે લઈ ગઈ. ત્યાં આજુબાજુના લોકોએ ખાતરી કરી કે બહેન અહિં જ રહે છે. બહેનના પતિ, પુત્ર અને સગા ત્યાં પહોંચ્યા જેમાં બહેન તેમને ઓળખી ગઈ.

બહેનના પતિએ ચોંકાવનારુ નિવેદન આપ્યું કે ઘરમાંથી નીકળવા સમયે પત્ની સાથે એક છોકરી હતી અને હાલમાં તેમના કાનમાંથી સોનાની બુટી ગાયબ છે. બહેનને છોકરી ઓળખાય છે પરંતુ શું થયું તે યાદ નથી. આ સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને પતિને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી.

181 ટીમે મહિલા ને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડતા માનવીય સંવેદના અને તાત્કાલિક પ્રતિભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. બહેનના પતિ અને પુત્રએ 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

(6:40 PM IST)