<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કચ્‍છના કડોલના રણમાં નમક માફિયાઓના હુમલાના પગલે વનતંત્રના અધિકારીનું ફાયરિંગ

રણમાં ગેરકાયદે દબાણ કરીને મીઠું પકવતાં બેખોફ માફિયાઓનો તંત્રને પડકાર, એક બાજુ તંત્ર વીજ ટાવર માટે ખેડૂતોની અટક કરે છે, બીજી બાજુ ભૂમાફિયાઓને કોઈનો ડર નથી

રાપર તા.૧૨: કચ્‍છના ભચાઉ તાલુકાના કડોલના રણમાં અભયારણ્‍યની જમીન પર મોટા પાયે દબાણની અનેક ફરિયાદો બાદ હવે છેક રણમાં નવા દબાણો થતાં હોવાની જાણકારીના આધારે વન વિભાગે થોડા દિવસથી કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાનમાં આજે સાંજના જવાબદાર અધિકારીઓ રણમાં તપાસ માટે નીકળ્‍યા ત્‍યારે કેટલાક દબાણકારો પાળા બાંધતાં હોવાનું નજરે પડતાં આરએફઓએ સાથે દબાણ રોકવાનો પ્રયાસ કરતાં બેફામ બનેલા રણમાફિયાએ હુમલો કર્યો હતો. જેના સ્‍વબચાવમાં આરએફઓએ ટીમ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

ભચાઉ તાલુકાના કડોલના રણમાં વન વિભાગન ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્‍યારે ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્‍ટર મારફતે પાળા બાંધવામાં આવતા હોવાની બાતમી મળી હતી, જેથી અધિકારી સ્‍થળે દોડી ગયા હતા પરંતુ દબાણ કરતાં શખ્‍સોના ડ્રાઈવરો તથા અન્‍યોએ વન વિભાગના જવાબદારો ઉપર વાહન ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓચિંતા હુમલાથી વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હતભત બની ગયા હતા અને સ્‍વબચાવમાં બે રાઉન્‍ડ ફાયર કરવામાં આવ્‍યું હતું. આ મામલે વધુ તથ્‍યો જાણવા રેન્‍જ ફોરેસ્‍ટ અધિકારી કે.બી. ભરવાડનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં તેમનો કોલ રિસિવ ન થતાં સત્તાવાર વિગતો જાણી શકાઈ ન હતી.

બીજીતરફ, કડોલના રણમાં ભૂમાફિયાઓ દ્વારા લાંબા સમયથી અભયારણ્‍યની જમીન પર દબાણ ખડકી દેવાયાની ફરિયાદો ઉઠતી આવે છે તેમ છતાં આ મામલે વનતંત્ર સહિતના સંબંધિત વિભાગો દ્વારા આંખ આડા કાન કરાતાં હતા, પરંતુ હવે જ્‍યારે વનતંત્રે કાર્યવાહી શરૂ કરી છે ત્‍યારે રણ દબાણકારો બેખોફ બનીને તંત્રને પડકાર ફેંકી રહ્યા છે.ભચાઉના કડોલ નજીક ફોરેસ્‍ટ કર્મીઓ પર ટ્રેક્‍ટર ચડાવવા પ્રયાસ કરતાં RFOએ હવામાં ફાયરીંગ કર્યું હતું . વનકર્મીઓ પર ટ્રેક્‍ટર ચડાવવા પ્રયાસ કરતાં હવામાં ફાયરીંગ કરાયું.  મધરાત્રે પૂર્વ કચ્‍છ વન તંત્રની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્‍યારે આ બનાવ બન્‍યો હતો મામલો બીચકે તેવી પરિસ્‍થિતિ સર્જાતાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસરે તેમની પાસે રહેલી ગનથી હવામાં ફાયરીંગ કર્યું હતું  બંદૂકના ભડાકો સાંભળીને ટોળું નાસી ગયું હતું.

 વન વિભાગે અજાણ્‍યા હુમલાખોરો સામે First Offence Report નોંધી ભચાઉ પોલીસ મથકે હત્‍યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.

નમક માફિયાઓ પેશકદમી કરીને ગેરકાયદે રીતે પાળા બાંધીને મીઠું પકવી રહ્યાં છે. ભુતકાળમાં નમક માફિયાઓ વચ્‍ચે અંદરોઅંદર હત્‍યા અને હુમલાના બનાવો બની ચૂકેલાં છે. જોકે, અહીં નજીકમાં જ વાંઢિયા ગામે વીજ ટાવરના મુદ્દે ખેડૂતોની માલિકીની જમીનમાં બળજબરીપૂર્વક કામ કરાતા ખેડૂતો વિરોધ કરે છે ત્‍યારે તંત્ર તેમની અટકાયત કરે છે બીજી બાજુ સરકારી જમીનમાં પેશ કદમી કરનાર ભૂ માફિયાઓને તંત્ર, વન વિભાગ કે પોલીસ કોઈનો ડર ન હોય એવું દેખાઈ રહ્યું છે

(11:50 AM IST)