<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી વધીઃ ગિરનાર ૬.૩, નલીયા ૮.૮ ડિગ્રી

અમરેલી ૧૦.૪, રાજકોટ ૧૨.૩, જામનગરમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાનઃ શિયાળો જામ્‍યો

 

 

રાજકોટ તા.૧૨: ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્‍યું છે. ઉત્તર અને પૂર્વ દિશાથી આવતા ઠંડા પવનોના કારણે સવારે અને રાત્રે હાડ થીજવી નાખે તેવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ આ સ્‍થિતિ ૧૪ ડિસેમ્‍બર સુધી યથાવત્‌ રહેવાની શકયતા છે. પવનની ગતિ વધુ હોવાથી લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નહીં થાય, પરંતુ ઠંડીનો અહેસાસ લોકોને સતાવતો રહેશે.

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મોટાભાગના વિસ્‍તારોમાં તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રીની આસપાસ રહ્યું છે, જ્‍યારે ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાતમાં ૧૩-૧૪ ડિગ્રીની આસપાસ રહ્યું છે.આગામી ૨૪ કલાક સંપૂર્ણપણે શુષ્‍ક હવામાન રહેશે કોઈ વરસાદની શકયતા નથી. તેમજ ૪૮ કલાક પછી લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો શકય છે. આપને જણાવી દઈએ૧૪ ડિસેમ્‍બર સુધી ઠંડા પવનો ચાલુ રહેવાથી સવારે-રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. ગિરનાર, સાપુતારા જેવા ઉચ્‍ચ પ્રદેશોમાં તાપમાન ૫ ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૬.૩, નલીયા ૮.૮, અમરેલી ૧૦.૪, રાજકોટ ૧૨.૩, જામનગરમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે જુનાગઢ સહિત સોરઠમાં લઘુતમ તાપમાન ૧ ડિગ્રી ઘટતા કાતિલ ઠંડી નું મોજુ ફરી વળ્‍યું હતું.

છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજે સવારે વધુ એક ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું ગિરનાર પર્વત ઉપર ૬.૩ ડીગ્રી તાપમાન થઈ જતા સમગ્ર ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્‍તારમાં કડકડતી ઠંડી અનુભવાઈ હતી. સતત વધી રહેલી ઠંડી ના કારણે ગિરનારની યાત્રાએ આવતા પ્રવાસીઓની સંખ્‍યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૧૧.૩ ડીગ્રી નોંધાયું હતું ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૧% એ પહોંચી જતા લોકો ઠંડીના કારણે મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિલોમીટરની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહતમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતિ ૨.૯ કિ.મી. રહી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહયુ છે. આજે શુક્રવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૫.૦ ડિગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨% રહયુ હતું. સવારે પવનની ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(11:18 AM IST)