<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ભાવનગરમાં હિટ એન્‍ડ રનઃ સગીરે કાર ભાડે લઈ મહિલા અને યુવતીને અડફેટે લીધાઃ મહિલાનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર, તા.૧૨: શહેરના વાઘાવાડી રોડ સ્‍વામી નારાયણ મંદિર નજીક  રાત્રે પુરપાટ સ્‍પીડે જઈ રહેલી કારનો ચાલક એક મહિલા અને એક સગીરાને અડફેટે લઈ અકસ્‍માત સર્જી નાસી છૂટયો હતો.  શહેરના કાળિયાબીડ સાગવાડી વિસ્‍તારમાં રહેતા મીનાબેન અશ્વિનપુરી ગૌસ્‍વામી અને તેમના દેરાણી સોનલબેન ધર્મેશપુરી ગૌસ્‍વામી ઉ.વ.૩૮  પોતાના ઘરેથી ચાલવા માટે નિકળ્‍યા હતા અને કાળિયાબીડ પાણીની ટાંકીથી આગળ સ્‍વામી નારાયણ મંદિરથી થોડે આગળ પહોંચતા પાછળથી પુરપાટ સ્‍પિડે આવેલી જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની થાર કારે સોનલબેનને પાછળથી અડફેટે લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો.

જેમાં સોનલબેનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સર ટી.હોસ્‍પિટલના એસઆઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સોનલબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. ઉપરાંત આ કારે વાઘાવાડી રોડ પર ક્‍લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ વિસ્‍તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીર યુવતીને પણ અડફેટે લીધી હતી. જેને હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.

બનાવ અંગે મીનાબેન અશ્વિનપુરી ગૌસ્‍વામી (રહે.રામેશ્વર મંદિર, સાગવાડી પાસે, કાળિયાબીડ)એ નિલમબાગ પોલીસ મથકમાં જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની કારના ચાલક સામે  ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતા આ અકસ્‍માત સર્જનાર ૧૬ વર્ષ ૧ માસ ઉંમરના સગીરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ અકસ્‍માત સર્જનાર સગીરે રૂ.૮૦૦ માં બે કલાક માટે કાર ભાડે લીધી હતી. 

 

 

(11:32 AM IST)