News of Friday, 12th December 2025
થર્ટી ફસ્ટ પૂર્વે દારૂની રેલમછેલમઃ મોરબી પાસે ૯૧ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
ટીંબડી ગામની સીમમાં કોમ્પલેક્ષના પાર્કીંગના ગોડાઉનમાં તાલુકા પોલીસે દરોડો પાડી દારૂ-કાર સહિત ૯૪.૭૭ લાખનો મુદામાલ કબ્જે કર્યોઃ આરોપી તેજસ વહેરાની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને પોલીસ સ્ટાફ નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૨: મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી ગામની સીમમાં એક કોમ્પ્લેક્સના ર્પાકિંગમાં આવેલ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ - બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું અને અહીંથી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૯૫૧૬ બોટલ, બિયરમાં ૩૦૦૦ ટીન અને એક બોલેરો સહિત કુલ રૂ.૯૪,૭૭,૪૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણા નેશનલ હાઇવે પર ટીંબડી ગામની સીમમાં આવેલ ગણેશ કોમ્પ્લેક્સમાં ર્પાકિંગના આવેલ ગોડાઉનમાં આરોપી તેજસ મનુભાઈ વહેરા રહે. ધરમપુર, મોરબી વાળો દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની ૯૫૧૬ બોટલ કિંમત રૂ. ૮૫,૪૫,૨૦૦ તેમજ બિયરના ૩૦૦૦ ટીન કિંમત રૂ.૬,૩૨,૨૮૦ અને રૂ.૩ લાખની કિંમતની જીજે-૧૩-ડબ્લ્યુ-૨૮૭૮ નંબરની બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા ૯૪,૭૭,૪૮૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી તેજસ મનુભાઈ વહેરા હાજર નહિ મળી આવતા તાલુકા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
