<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

‘ધુરંધર' ફિલ્‍મનું પ્રસારણ અટકાવવા અને ત્‍વરિત પ્રતિબંધ મૂકવા અંગેનો મામલો વડાપ્રધાન સુધી પહોંચ્‍યો

જૂનાગઢમાં બ્‍લોચ સમાજે આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યુઃ પોલીસમાં ફરિયાદ અરજી હાઈકોર્ટ-સુપ્રિમકોર્ટનાં દ્વાર ખટખટાવવા સુધીની તૈયારીઓઃ ફિલ્‍મમાં બલોચ સમાજ વિશે નિમ્‍ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા ગામે ગામ વિરોધ વંટોળ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૨: ધુરંધર ફિલ્‍મમાં બ્‍લોચ સમાજ વિશે નિમ્‍ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા સમગ્ર ગુજરાતમાં બ્‍લોચ મકરાણી સમાજમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જૂનાગઢમાં ગઈકાલે બુધવારે આ અંગે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી હતી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્‍યું છે.

ગુજરાત રાજ્‍ય બ્‍લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્‍લોચે જણાવ્‍યું છે કે, ધુરંધર ફિલ્‍મમાં બલોચ જ્ઞાતિ વિરુદ્ધના તમામ ખોટા ડાયલોગ્‍સ તાત્‍કાલિક દૂર કરાય અને ત્‍યાં સુધી ફિલ્‍મનું પ્રસારણ અટકાવવામાં આવે. માંગણીઓ સમયસર પૂરી નહીં કરાય, તો ગાંધી ચિંધ્‍યા માર્ગે ગુજરાત અને ભારતના બલોચ સમાજ આંદોલન કરશે. ન્‍યાય મેળવવા કોર્ટ સુધી કાયદાકીય લડત લડવા પણ તૈયારી કરી રહ્યા છીએ.

જૂનાગઢ મકરાણી સમાજના પ્રમુખ એજાઝ મકરાણીએ જણાવ્‍યું કે, ધુરંધર ફિલ્‍મમાં માત્ર પૈસાની કમાણી કરવા ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે અને ફિલ્‍મમાં બ્‍લોચ સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. સમાજની માંગ છે કે આવા ડાયલોગ બનાવનાર તેમજ તેને બોલનાર તમામ વ્‍યક્‍તિને કાયદાનું ભાન કરાવી તાત્‍કાલિક ધોરણે આ ફિલ્‍મ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

ધુરંધરના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખ્‍યો છે અને જૂનાગઢ પોલીસને અરજી આપી છે. ફિલ્‍મ પર પ્રતિબંધની માગ સાથે રોષ વ્‍યક્‍ત કરાયો છે.

ગુજરાત રાજ્‍ય સમસ્‍ત બ્‍લોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર એચ.બ્‍લોચ (નાયબ મામલતદાર)ની સહીથી આજે એક લેખિત આવેદનપત્ર નરેન્‍દ્રભાઈ મોદી, મામલતદારશ્રી દ્વારા હિન્‍દી ચલચિત્ર ધુરંધરનું પ્રસારણ અટકાવવા તથા પ્રતિબંધ મુકવા અંગેનુ આવેદનપત્ર સમાજના વિવિધ અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં સુપ્રત કરવામાં આવેલ છે. આવેદન પત્રમાં જહાંગીર બ્‍લોચે જણાવ્‍યું છે કે, તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ પ્રસારીત થયેલ ધુરંધર નામના ચલચિત્રમાં સમગ્ર ભારતમાં અને વિશ્વમાં વસતી અમારી બલોચ મકરાણી કોમ્‍યુનીટીની માનહાની કરી અમારા સમાજને દગાખોર, આતંકવાદી પ્રવળતિ સાથે જોડાયેલ હોય તેવું દર્શાવી ચલચિત્રમાં પાકિસ્‍તાનના પોલીસ ઈન્‍સપેકટરનું પાત્ર ભજવતા સંજય દત્ત દવારા મગરમચ્‍છ પે ભરોસા કર શકતે હૈ બલોચ પર નહી એવો ડાયલોગ બોલેલ છે તથા બલોચ કોમ્‍યુનીટી ગેરકાયદેસર પ્રવળતિઓ સાથે જોડાયેલ હોવાનું આ પિકચરમાં ચિત્રિત કરેલ છે. આ ડાયલોગના કારણે અમારા સમાજની લાગણી દુભાયેલ છે તેમજ અન્‍ય સમાજો અમારી જ્ઞાતિને શંકાની નજરે જોતા થયા છે. વાસ્‍તવમાં ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપની સામે પ્રથમ પ્રકારની લડાઈ લડનાર મૈસુરના રાજા ટીપ સુલ્‍તાન (હૈદરઅલી બલોચ) હતા અને અખંડ ભારત જયારે હતું ત્‍યારે અમારા કોમની બહાદુરી, પ્રામાણિકતા, નીડરતા, વફાદારી જેવી આવડતોના કારણે ઘણા રજવાડાઓ અમોને તેમની સલામતી માટે લઈને આવેલ અને અમારા સમાજના બહાદુર લોકોને જાગીરો પણ આપવામાં આવેલ હતી. સમગ્ર ગુજરાત બલોચ મકરાણી સમાજ પાકિસ્‍તાન સરકાર સામે સ્‍વતંત્રતા માટે લડતા બલુચિસ્‍તાનના બલોચોને પરોક્ષ સપોર્ટ કરી રહ્યા છે અને બલોચો કાયમ માટે ભારત સરકારને વફાદાર રહયા છે..પરંતુ, ઉકત ચલચિત્રમાં અમારી જ્ઞાતિને દગાખોર ચિતરી અને આ ચલચિત્ર પાકિસ્‍તાન પોલીસનું પરોક્ષ રીતે મજબુત હોવાનો પુરાવો ચિત્રિત કરેલ છે...સબબ આ ચલચિત્રનું પ્રસારણ તાત્‍કાલીક અસરથી બંધ કરાવવા તથા બલોચ જ્ઞાતિ વિરુધ્‍ધના તમામ ડાયલોગો દૂર કરાવવા વિનંતી કરાઈ છે. જહાંગીર બલોચે વડાપ્રધાનને પાઠવેલ પત્રની નકલો (૧) કેન્‍દ્રીય મંત્રીશ્રી માહીતી અને પ્રસારણ વિભાગ,ભારત સરકાર ન્‍યુ દીલ્‍હી (૨) મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર (૩) સેન્‍સર બોર્ડ ઓફ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝ, મુંબઈને પણ મોકલી છે.

(1:04 PM IST)