<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

'વાયબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ' અન્વયે જામનગર ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન;સ્થાનિક ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ

જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ સહિત લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા આ પ્લેટફોર્મ મહત્વનું સાબિત થશે-જામનગર બ્રાસ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ: રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોને કારણે મારા જેવા શ્રમિક પણ આજે પોતાના કારખાનાના માલિક બની શક્યા-ઉદ્યોગકાર અલ્પેશ પાઘડા

જામનગર:રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આ વર્ષે રાજકોટ ખાતે પણ તા.૧૦ થી તા.૧૨ જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનાલ કોન્ફરન્સનું આયોજન હાથ ધરાયુ છે.જેના ભાગરૂપે જામનગર ખાતે પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાનાર છે. ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ પ્રકારના પગલાંઓ થકી જિલ્લાના ઉદ્યોગકારો અને ખાસ કરીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર ઉદ્યોગ સાહસિકોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે.
જામનગર બ્રાસ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલનો પ્રતિભાવ
આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જામનગર બ્રાસ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે રાજ્ય સરકારના આ પ્રયાસોને આવકારતા જણાવ્યું હતું કે, "વાઇબ્રન્ટ ગુજરાત જેવી મોટી કોન્ફરન્સનું આયોજન જિલ્લા સ્તરે થવાથી સ્થાનિક ઉદ્યોગકારોને ઘણો મોટો ફાયદો થશે. અમને ગાંધીનગર સુધી જવાની જરૂર નહીં પડે અને પોતાના જિલ્લામાં જ સરકારની નીતિઓ, યોજનાઓ અને ઉદ્યોગ જગતની નવી બાબતો વિશે માહિતી મળી શકશે. આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગ સાહસિકો માટે એક મહત્વની તક સમાન છે, જ્યાં તેઓ નવા રોકાણકારો સાથે જોડાઈ શકશે અને ટેક્નોલોજીકલ અપગ્રેડેશન તરફ આગળ વધી શકશે. જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ સહિત લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પહોંચવામાં આ પ્લેટફોર્મ મદદરૂપ થશે."
અલ્પેશ પાઘડા: શ્રમજીવીમાંથી કારખાનાના માલિક બનવાની પ્રેરક ગાથા
સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓ કેવી રીતે સામાન્ય લોકોને પણ માલિક બનાવવામાં મદદરૂપ થઈ છે, તેનું જીવંત ઉદાહરણ જામનગરના ઉદ્યોગકાર અલ્પેશ પાઘડાએ રજૂ કર્યું છે. શ્રી અલ્પેશ પાઘડાએ જણાવ્યું હતું કે, "વર્ષ ૨૦૦૦માં મેં બ્રાસ ઉદ્યોગમાં એક લેબર તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. સમય જતાં હું બ્રાસને લગતા વિવિધ કામો શીખી ગયો અને પોતાનો જ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું. જોકે, CNC વગેરે જેવી મશીનરી ખરીદવા માટે મોટી રકમની જરૂર પડે તેમ હતી. તે સમયે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગર દ્વારા મને મારો પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે રાહત દરે લોન મળી.
પાઘડાએ વધુમાં ઉમેર્યું હતું કે, "આજની તારીખે હું ચાર મશીન સાથે મારું પોતાનું કારખાનું ચલાવું છું અને મારા આ એકમ થકી અન્ય ૧૦ જેટલા લોકોને રોજગારી પણ પૂરી પાડું છું. આજે વાઇબ્રન્ટ ગુજરાત જેવા રાજ્ય સરકારના કાર્યક્રમોને કારણે જ મારા જેવા લેબર પણ પોતાના કારખાનાના માલિક બની શક્યા છે. આવા કાર્યક્રમોથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે અને પોતાના ઉદ્યોગો શરૂ કરવાની તક મળશે."
આમ, જામનગરના આ બંને ઉદ્યોગપતિઓના મંતવ્યો સ્પષ્ટ દર્શાવે છે કે સરકારનું આ પગલું જિલ્લાના ઉદ્યોગોની વૃદ્ધિ અને નવા ઉદ્યોગ સાહસિકોના સર્જન માટે કેટલું મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી માધ્યમ સાબિત થઇ રહ્યું છે

(11:53 PM IST)