<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

કચ્‍છના વાંઢિયામાં કિસાનોની જીતઃ ૧૧પ દિવસ બાદ તંત્ર ઝુકયુ : જુઓ વિડીયો

૧૧૫ દિવસની લડત અને ૬ કલાકના વિક્રમ ચક્કા જામ બાદ કચ્‍છના તંત્રએ ખેડૂતોની વાત માનીઃ વાંઢિયામાં પોલીસ દૂર, વળતરના નિર્ણય સુધી કામ બંધ : અદાણી અને વાંઢિયાનો વિવાદ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્‍દ્ર, તંત્રએ ખેડૂતોની સતત રજૂઆતો પ્રત્‍યે ધ્‍યાન ન આપ્‍યું? કોની ભૂલ? તંત્ર અને પોલીસની મદદથી અદાણી કંપની દ્વારા બળજબરીપૂર્વક વીજ પોલ નાખવાના કામે સર્જેલા વિવાદે સરકાર અને ખેડૂતોને સામસામે કર્યા?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૩:  ખેડૂત આંદોલનને કારણે કચ્‍છનું વાંઢિયા ગામ આજે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું છે. વાંઢીયાના ખેડૂતોની તરફેણમાં ભારતીય કિસાન સંઘને મેદાનમાં ઉતરવું પડ્‍યું આગેવાનોની અટકાયત થઈ રોડ રસ્‍તા બ્‍લોક કરવા મજબૂર થવું પડયું, પોલીસ ખેડૂતોના ઘેર આવતી થઈ, પોતાની માલિકીના ખેતરમાંથી ખેડૂતોની અટકાયત કરાઈ મહિલાઓને પણ ન છોડાઈ. કિસાન સંઘે ૬૦૦ ગામોમાં કિસાન જનજાગૃતિ યાત્રા યોજી, છેલ્લે નેશનલ હાઇવે બ્‍લોક કરવો પડ્‍યો અને સરકાર સામે સૂત્રોચ્‍ચાર થયા. આ બધા માટે જવાબદાર કોણ? અદાણી કંપનીની મનમાની? સ્‍થાનિક તંત્રની અણઆવડત? કલેક્‍ટર સમક્ષ વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય ન કરાતા ૧૧૫ દિવસ સુધી આંદોલન ચાલ્‍યું. વાંઢિયા રાજ્‍ય સ્‍તરે ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું. કોંગ્રેસ અને આપ ના નેતાઓ પણ વાંઢિયા આવ્‍યા સરકાર ઉપર પસ્‍તાળ પાડી. શાસક પક્ષ ભાજપ મૌન રહ્યું. ખેડૂતોના હક્કની લડાઈ માટે અંતે કચ્‍છ જિલ્લા ભારતીય કિસાન સંઘ સંગઠન મેદાને પડયું શિવજીભાઈ બરાડિયા અને કરમણભાઈ ગાગલની આગેવાની નીચે સ્‍થાનિક કિસાન આગેવાનો લડતમાં જોડાયા તેમાં કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલ આર્ય, મહામંત્રી આર.કે. પટેલ સહિતના રાજ્‍યના કિસાન આગેવાનોએ ટેકો આપ્‍યો. અંતે તંત્ર એ ખેડૂતોને ખાત્રી આપવી પડી. ખેડૂતોની માંગણી માત્ર એટલી જ હતી કે, અમારી માલિકીની જમીનમાં અદાણી કંપની જે હાઈ પાવર વીજ લાઈન અને વીજ ટાવર નાખે છે તેના માટે ઉપયોગમાં લેવાતી અમારી જમીનનું અમને બજાર કિંમત પ્રમાણે વળતર આપે. કારણકે, ૭૫૦ મેગા વોટ હાઈ પાવર વીજ લાઈન થકી ભવિષ્‍યમાં એ જમીન ખેતી માટે બિન લાયક થઈ જશે. ખેતી થશે નહીં. અગાઉ અદાણી કંપનીએ એવું નિવેદન આપ્‍યું હતું કે તંત્ર સાથે થયેલ બેઠક અનુસાર અમે નિયમ પ્રમાણે વળતર ચુકવીએ છીએ. જોકે, ખેડૂતોની મોટી ફરિયાદ એ હતી કે વળતરની કોઈ પણ વાત કર્યા વગર તેમની વડીલોની ખેતીની જમીનમાં બળજબરીથી ઘૂસી તંત્ર અને પોલીસની મદદથી ખેડૂત પુરુષો મહિલાઓની અટકાયત કરી અદાણી કંપની દ્વારા દાદાગીરી કરી કામ કરાતું હતું. હવે વાંઢિયામાં પોલીસ દૂર રહેશે અને વળતર અંગેનો નિર્ણય ન આવે ત્‍યાં સુધી કામ બંધ રહેશે. અહીં મોટો સવાલ એ જ છે કે, ૧૧૫ દિવસની લાંબી લડત દરમ્‍યાન ખેડૂતો અને તંત્ર વચ્‍ચે અનેકવાર ઘર્ષણ થયું. વારંવાર રજૂઆતો થઈ પણ વળતર અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. અંતે આંદોલન વધુ ઉગ્ર બન્‍યું. પોતાના હક્ક માટે ધરતીના તાત એવા કિસાનોને રસ્‍તા ઉપર ઉતરવું પડ્‍યું. એ કોની ભૂલ? (તસ્‍વીરોઃ મુકેશ રાજગોર-રાપર)

(10:44 AM IST)