<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

મેરેથોન માત્ર દોડ નહી, સંકલ્‍પ, શિસ્‍ત સ્‍વસ્‍થ જીવન તરફનું પગલુઃ અર્જુન મોઢવાડીયા

હર ઘર સ્‍વદેશી, ઘર-ઘર સ્‍વદેશી અભિયાન અને ફીટ ઇન્‍ડિયા મૂવમેન્‍ટ અંતર્ગતઃ જામનગરમાં પ્રભારીમંત્રીની અધ્‍યક્ષતામાં મેરેથોનઃ નવા બનેલા ફલાયઓવર બ્રીજ પર યોજાયેલ મેરેથોનમાં મહાનુભાવો સહીત વિશાળ સંખ્‍યામાં જામનગરવાસીઓ સહભાગી થયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: રાજ્‍યના વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી શ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્‍યક્ષ સ્‍થાને જામનગરમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. હર ઘર સ્‍વદેશી, ઘર-ઘર સ્‍વદેશી અભિયાન અને ફીટ ઇન્‍ડિયા મૂવમેન્‍ટ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ના રોજ મેરેથોન અને તા.૧૪ના રોજ સાયક્‍લોથોન ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જામનગરમાં ઓશવાળ ઇંગ્‍લીશ એકેડમી ખાતેથી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફલેગઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્‍પ, શિસ્‍ત અને સ્‍વસ્‍થ જીવન તરફનું પગલું છે. આજના યુગમાં, જ્‍યાં અસ્‍વસ્‍થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્‍યાં આવા કાર્યક્રમો આપણને સ્‍વાસ્‍થ્‍યનું મહત્‍વ સમજાવે છે. સ્‍વસ્‍થ નાગરિકો જ સ્‍વસ્‍થ અને મજબૂત રાષ્‍ટ્રનું નિર્માણ કરે છે.સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્‍ય અને તંદુરસ્‍તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગળતિ અને સ્‍વસ્‍થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરીને મેદસ્‍વીતા મુક્‍ત ભારત અને ફીટ ઇન્‍ડિયા અભિયાન શરુ કરાવ્‍યું છે. આ મેરેથોનમાં વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત જામનગરવાસીઓ ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વડીલોની ઉત્‍સાહભરી ભાગીદારી જોઈને મને ખૂબ ગર્વ થાય છે. જીત મહત્‍વની છે, પરંતુ ભાગ લેવું અને પ્રયત્‍ન કરવો વધુ મહત્‍વનું છે. આજે અહીં હાજર દરેક દોડનાર સાચો વિજેતા છે.

આ દોડમાં ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન.મોદી, ડેપ્‍યુટી મેયર ક્રિષ્‍નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, એ.એસ.પી.શ્રી પ્રતિભા, પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, પ્રાંત અધિકારીશ્રી (ગ્રામ્‍ય) બ્રિજેશ કાલરીયા, કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્‍યામાં મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:06 PM IST)