<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ગુજરાતના દરેક જિલ્લામાં 'ડિસ્ટ્રિકટ ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી'(DTDS) ની મંજૂરી

આવનારા દિવસોમાં અંબાજી ડેવલપમેન્ટ, ધરોઈ ડેમ ડેવલપમેન્ટ, દ્વારકા–બેટ દ્વારકા કોરિડોર, નાગેશ્વર જ્યોર્તિલિંગ કોરિડોર, સોમનાથ જેવા મોટા ધાર્મિક અને પ્રવાસન પ્રોજેકટોને ઝડપથી અને સરળતાથી આગળ વધારવા DTDSની રચના મહત્વપૂર્ણ ભૂમિકા બજાવશે

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા તા.૧૩: ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન વિકાસને વધુ ગતિ આપવા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિકટ ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી (DTDS) રચવાની મંજૂરી આપી છે. આ નિર્ણય ઉપમુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી તથા પર્યટન રાજ્ય મંત્રી ડો. જયરામ ગામિતની મંજૂરી સાથે લેવામાં આવ્યો છે.

હેતુ અને મુખ્ય કાર્યો

 જિલ્લા પ્રવાસન સ્થળોનું સંકલિત અને ઝડપી વિકાસ. સ્થાનિક જરૂરિયાતો આધારિત આયોજન અને નવી જગ્યાઓનો વિકાસ. સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રકચર, ર્પાકિંગ, સાઈનેજ, માહિતી કેન્દ્રો તથા ગાઈડ તાલીમ જેવી સુવિધાઓમાં સુધારો. PPP મોડેલ હેઠળ કેફેટેરિયા, કોટેજ અને સ્મૃતિચિન્હ દુકાનોનું સંચાલન.

મહત્વના  પ્રોજેકટોને ગતિ આપવા માટે પહેલ

આવનારા દિવસોમાં અંબાજી ડેવલપમેન્ટ, ધરોઈ ડેમ ડેવલપમેન્ટ, દ્વારકા–બેટ દ્વારકા કોરિડોર, નાગેશ્વર જ્યોર્તિલિંગ કોરિડોર જેવા મોટા ધાર્મિક અને પ્રવાસન પ્રોજેકટોને ઝડપથી અને સરળતાથી આગળ વધારવા DTDSની રચના મહત્વપૂર્ણ ભૂમિકા બજાવશે.

નાણાકીય વ્યવસ્થા

દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ માટે રૂ.૧૦ કરોડ સુધીની વાર્ષિક ગ્રાન્ટ. CSR અને યુઝર ફી દ્વારા વધારાના નાણાં એકત્ર કરવાની સત્તા.

લાભો

ઝડપી અમલીકરણ, વધુ વ્યવસ્થિત અને વ્યાવસાયિક પ્રવાસન સેવાઓ. સ્થાનિક લોકોને વધુ રોજગાર—ખાસ કરીને મહિલાઓને પ્રાથમિકતા.

બેઠકમાં ટૂરિઝમ સચિવ ડો. રાજેન્દ્ર કુમાર તથા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા, જ્યારે જિલ્લા કલેકટરો વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા.

ગુજરાત સરકારની આ પહેલ રાજ્યના પ્રવાસન સ્થળોને વધુ આધુનિક, સુલભ અને વૈશ્વિક સ્તરે આકર્ષક બનાવશે.

(11:43 AM IST)