<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

મોટા દડવાની સીમમાં યુવાનની હત્યાઃ પ્રેમિકા તરફ શંકા

જેતપુરના મેવાસાનો યુવાન પાંચ સંતાન, પત્નિને છોડી છએક મહિનાથી મોટા દડવાની સીમમાં ગીરીશભાઇની વાડીમાં રહેતો હતોઃ પરમ દિવસે વાડીના રૂમમાંથી ખાટલામાં લોહીલુહાણ મળ્યો હતો, બાજુમાં ત્રિકમ હતું: પ્રેમિકા અને તેના સંતાનો ગાયબ હોઇ મૃતકના ભાઇએ તેના તરફ શંકા દર્શાવીઃ ૩૩ વર્ષના થાવુ ઉર્ફ મહેશે સારવારમાં રાજકોટમાં દમ તોડ્યોઃ આટકોટ પોલીસે તપાસ આદરી થોડા સમય પહેલા સાથે રહેવા બાબતે મૃતક થાવુ ઉર્ફ મહેશની પત્નિ મમતા અને થાવુની પ્રેમિકા રેશ્મા વચ્ચે ઝઘડો થયો હતો થાવુ ઉર્ફ મહેશ સારવારમાં હતો ત્યારનો અને તેનો ફાઇલ ફોટો


 

રાજકોટ તા. ૧૩: આટકોટ પંથકમાં હત્યાની વધુ એક ઘટના બની છે. મુળ મધ્યપ્રદેશનો અને ઘણા વર્ષથી જેતપુરના મેવાસાના પાદરમાં ઝૂપડામાં પરિવારજનો સાથે રહેતો ૩૩ વર્ષનો થાવુ ઉર્ફ મહેશ નામનો યુવાન હાલ છએક મહિનાથી આટકોટના મોટા દડવાની સીમમાં ગીરીશભાઇ પારઘીની વાડીમાં પોતાની પ્રેમિકા રેશ્મા અને તેણીના દિકરા-દિકરી સાથે રહેતો હોઇ બે દિવસ પહેલા મોડી રાતે તે વાડીના રૂમમાંથી લોહીલુહાણ મળી આવ્યો હતો, બાજુમાં લોહીવાળુ ત્રીકમ પણ હતું. પ્રેમિકા તેના સંતાનો સાથે ગાયબ હતી. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યાં થાવુનું રાજકોટમાં મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા નજીક મોટા દડવાની સીમમાં આવેલી એક વાડીમાં ભાગીયા તરીકે રહેતા યુવક થાવુ ઉર્ફે મહેશભાઈ વસુનીયા (ઉ.વ. ૩૩) પર ગત ૧૧/૧૨ના રાત્રે કોઇએ માથાના ભાગે ત્રિકમ કે અન્ય કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર પહોંચાડતાં તેના કારણે તેને હેમરેજ થયું હતું અને માથામાં ચૌદ ટાંકા લેવા પડ્યા હતાં. આ યુવાન રાજકોટ સારવાર હેઠળ હતો. આ બનાવમાં આટકોટ પોલીસે જેતપુરના મેવાસા ગામના પાદરમાં ઝૂપડામાં રહેતાં મુસળ જાંબુવા નવાપરા મધ્યપ્રદેશના મુકેશ પીશુભાઇ વસુનીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી અજાણ્યા વિરૂધ્ધ મુકેશના મોટા ભાઇ થાવુ ઉર્ફ મહેશ પીશુભાઇ વસુનીયા (ઉ.વ.૩૩) ઉપર વાડીએ કોઇપણ વસ્તુથી હીચકારો હુમલો કરી માથામાં હેમરેજ કરી નાંખી ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

પત્નિને છોડીને થાવુ ઉર્ફ મહેશ પ્રેમિકા અને તેણીના દિકરા-દિકરી સાથે રહેતો હતો. સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હત્યા પ્રેમપ્રકરણમાં થયાની શકયતાએ પોલીસે તપાસ હાથ ધરી છે.  થાવુ ઉર્ફે મહેશ છેલ્લા છ મહિનાથી મોટા દડવા ગામે ગિરીશભાઈ ભીમજીભાઈ પારઘીની વાડી ભાગવી રાખી ત્યાં રહેતો  હતો. ૧૨મીના સવારે આશરે સવા છ વાગ્યે થાવુના શેઠ ગીરીશભાઈ વાડીએ ગયા ત્યારેે વાડીની ઓરડીનું બારણું બહારથી બંધ હતું. બારણું ખોલીને અંદર જોતા થાવુ ખાટલા પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલો હતો. ખાટલાની બાજુમાં લોહીવાળો ત્રિકમ પણ પડેલો હતો.

તાત્કાલિક થાવુને ૧૦૮ મારફતે ગોંડલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું અને માથામાં હેમરેજ થયાનું ડોકટરોએ જણાવ્યું હતું. આથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે તેનું મોત થયું હતું. મૃતક  થાવુ ઉર્ફે મહેશને રેશ્માબેન ઝાઉડા સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પત્નિને છોડીને ે છેલ્લા બે વર્ષથી પ્રેમિકા સાથે રહેતો હતો. હાલમાં છ મહિનાથી બંને ગીરીશભાઇની વાડીમાં રહેતા હતાં. રેશ્માબેનનો દિકરો-દિકરી પણ અહિ જ રહેતાં હતાં. જ્યારે થાવુ ઉર્ફ મહેશની પત્નિ મમતાબેન મેવાસા ખાતે પરિવાર સાથે રહે છે.

થોડા સમય પહેલા મમતાબેન મોટા દડવા ગયા હતા ત્યારે રેશ્માએ ભેગા રહેવા બાબતે ઝઘડો કર્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.  બનાવ બન્યા બાદ થાવુ સાથે રહેતા રેશ્માબેન અને તેના દીકરા-દીકરીઓ મોટા દડવા ગામથી ક્યાંક ચાલ્યા ગયા હોઇ અને ફોન પણ બંધ આવતાં હોઇ તેના તરફ શંકા વ્યકત થઇ હતી.  ફરિયાદી મુકેશ વસુનીયાએ પણ ફરિયાદમાં ભાઇને તેની પ્રેીમકા રેશ્માબેન સહિતે મારી નાંખ્યાની શંકા દર્શાવી છે. આટકોટ પીએસઆઇ એમ. બી. બારૈયાએ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારમાં મોત થતાં હત્યાની કલમ ઉમેરવા અને આરોપીને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.

હત્યાનો ભોગ બનનાર ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં ત્રણ દિકરા અને બે દિકરી છે. થાવુ ઉર્ફ મહેશની હત્યા પ્રેમિકાએ જ કોઇનો સાથ લઇને કરી કે અન્ય કોઇએ? તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(12:05 PM IST)