News of Saturday, 13th December 2025
અમરેલી: જાફરાબાદ-રાજકોટ રૂટની ચાલુ બસમાં 'દેવદૂત' બનીને આવી નર્સ, હાર્ટ એટેક આવતા ઢળી પડેલા યુવકને "સીપીઆર" આપી જીવ બચાવ્યો

જાફરાબાદ-રાજકોટ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક માટે તે જ બસમાં સવાર નર્સ સાક્ષાત ભગવાન બનીને આવી હતી. ચાલુ મુસાફરી દરમિયાન યુવકને અચાનક હાર્ટ એટેક જેવી અસર થતાં તે બેભાન થઈને ઢળી પડ્યો હતો, ત્યારે બસમાં સવાર મહિલા નર્સે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સીપીઆર આપીને યુવકનો જીવ બચાવી લીધો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, જાફરાબાદ-રાજકોટ બસ બાબરા પહેલા આવતા લુણકી સ્ટેન્ડ પાસે પહોંચી હતી ત્યારે જામનગર જઈ રહેલા એક યુવકને અચાનક ગભરામણ થઈ અને આંચકી આવવા લાગી હતી. આ જોઈને બસમાં મુસાફરી કરી રહેલા રાજુલાની હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ દયાબેન મકવાણાએ તરત જ માનવતાની મહેક પ્રસરાવી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી દયાબેને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના યુવકને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું.
બસ કંડક્ટર અરવિંદભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, બસને બાબરા હોસ્પિટલ પહોંચાડવાની કોશિશ ચાલુ હતી તે દરમિયાન 'ગોલ્ડન અવર'માં જ નર્સે સારવાર આપી દેતા યુવકને રસ્તામાં જ સારું થવા લાગ્યું હતું અને તે ભાનમાં આવી ગયો હતો.
નર્સ દયાબેને જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થાય અને હૃદયના ધબકારા બંધ પડી ગયા હોય તેવું લાગે ત્યારે સમય બગાડ્યા વગર સીપીઆર આપવું જોઈએ." આ ઘટનામાં બસમાં નર્સની હાજરી એક કુદરતી સંજોગ બની રહી હતી અને તેમના પ્રયાસોથી યુવકનો જીવ બચી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
સીપીઆર (CPR) કેવી રીતે આપવું? જાણો કોઈનો જીવ બચાવવા માટેની સરળ રીત
ઘણીવાર આપણી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ. પરંતુ જો તમને સીપીઆર (seepiaar) આપતા આવડતું હોય, તો તમે તે વ્યક્તિનો જીવ બચાવી શકો છો. અહીં ડૉક્ટરો અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સીપીઆર આપવાની સાચી રીત સરળ શબ્દોમાં સમજાવવામાં આવી છે.
સીપીઆર ક્યારે આપવું જોઈએ?
જ્યારે કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને તેનો શ્વાસ જતો રહે, તો તેને કાર્ડિયોક એરેસ્ટ કે હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે. આવા સંજોગોમાં સૌથી પહેલા દર્દીના હાથ અને ગળા પરની નસને થોડી દબાવીને તપાસો કે હૃદયના ધબકારા આવી રહ્યા છે કે નહીં. જો ધબકારા ન આવતા હોય, તો માની લેવું કે વ્યક્તિને હાર્ટ એટેકની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત જો હાથ, પગ કે શરીરનું કોઈ બીજું અંગ હલન-ચલન ન કરતું હોય તો પણ હાર્ટ એટેક હોઈ શકે છે. યાદ રાખો કે હાર્ટ એટેક આવ્યો હોય તો દર્દીનું તરત મોત થતું નથી, તેથી તાત્કાલિક સીપીઆર આપીને તેને બચાવી શકાય છે.
સીપીઆર આપવાની સાચી રીત:
૧. દર્દીને સુવડાવો: હાર્ટ એટેક છે કે નહીં તેની ખાતરી કર્યા પછી, સૌથી પહેલા દર્દીને સીધી અને કઠણ સપાટી પર સુવડાવી દો.
૨. હાથની સ્થિતિ: તમારા બંને હાથ એકબીજા પર મૂકીને દર્દીની છાતીની બરાબર વચ્ચે રાખો. ખાસ ધ્યાન રાખો કે તમારી કોણી એકદમ સીધી રહેવી જોઈએ.
૩. દબાણ આપો: તમારા શરીરનું વજન હાથ પર મૂકો અને જોરથી દબાવો. એક મિનિટમાં ઓછામાં ઓછા ૬૦થી વધુ વખત છાતી પર દબાણ આપવું જોઈએ.
૪. શ્વાસ આપો: છાતી પર ૩૦ વાર દબાવ્યા પછી, ૨ વાર મોઢાથી મોઢામાં જોરથી શ્વાસ આપો.
૫. પ્રક્રિયા ચાલુ રાખો: આ જ પ્રક્રિયા (૩૦ વાર દબાણ અને ૨ વાર શ્વાસ) ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી દર્દીના ધબકારા પાછા ન આવી જાય.
આટલી ઝડપે પમ્પિંગ કરવાથી હાર્ટમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ ફ્લો) શરૂ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
