<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ભાવનગરમાં PM આવાસ યોજનાના 35 ટકાથી વધુ મકાનોમાં ભાડુઆત મળ્યા :મનપાએ નોટીસ ફટકારી

મકાનોના ગેરકાયદેસર ભાડાપટ્ટા અંગે મળેલી ફરિયાદના આધારે વિશેષ ટીમ દ્વારા સ્થળ પર જઈને આવાસ યોજનાના તમામ મકાનોની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નિયમોનું ઉલ્લંઘન કરીને ભાડે આપવામાં આવતા હોવાની ફરિયાદના પગલે મહાનગરપાલિકાની ટીમે આજે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 35% કરતાં પણ વધુ મકાનો ભાડુઆતને આપવામાં આવ્યા હોવાનું જણાયું છે.  

   ભાવનગર મહાનગરપાલિકાને લાંબા સમયથી ફુલસર PM આવાસ યોજનાના મકાનોના ગેરકાયદેસર ભાડાપટ્ટા અંગે ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદના આધારે આજે વિશેષ ટીમ દ્વારા સ્થળ પર જઈને આવાસ યોજનાના તમામ મકાનોની ચકાસણી કરવામાં આવી હતી.

  તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે ફાળવવામાં આવી હોવા છતાં, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ પોતે રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને મકાનો ભાડે આપી દીધા હતા. BMCની તપાસમાં 35% થી વધુ મકાનોમાં ભાડુઆતો મળી આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા PM આવાસ યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ મકાન માલિકોને અને હાલમાં મકાનમાં રહેતા ભાડુઆતોને નોટિસ ફટકારવામાં આવી છે. 

(7:06 PM IST)