<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ઉપલેટા રેલ્‍વે સ્‍ટેશન ચોકમાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે મંદિરની દાનપેટી તોડવાનો પ્રયત્‍નઃ તસ્‍કર સકંજામાં

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૧૫: કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્‍યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં રેલ્‍વે સ્‍ટેશન પાસે આવેલ સુપ્રસિદ્ધ કુંભેશ્વર મહાદેવના મંદિરમાં સ્‍ટીલની દાનપેટી તોડી રોકડની ચોરી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે એક ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી હરસુખભાઈ છગનભાઈ કાલાવડીયા (ઉ.વ. ૬૮), જેઓ સત્‍સંગભવનમાં રામધુન મંડળના પ્રમુખ તરીકે છેલ્લા ૪૦-૪૫ વર્ષથી સેવા આપે છે, તેમણે જણાવ્‍યું હતું કે, તેઓ બસ સ્‍ટેશન ચોકમાં હતા ત્‍યારે તેમને મંદિરના પૂજારી ચંદ્રવદન પ્રતાપભાઈ ભટ્ટનો ફોન આવ્‍યો હતો કે, મંદિરનો દરવાજો ખુલતો નથી અને કોઈએ તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. તાત્‍કાલિક મંદિરે પહોંચીને જોતા, દરવાજામાં ફિટ કરેલી સ્‍ટીલની દાનપેટી થોડી દબાયેલી હાલતમાં હતી અને આજુબાજુનો સામાન વેરવિખેર પડ્‍યો હતો.

આ અંગે ફરિયાદીએ મંડળના અન્‍ય સભ્‍યોને જાણ કરતા તેઓ પણ મંદિરે પહોંચ્‍યા હતા. લાઇટ આવતા, મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વી. ફૂટેજ તપાસવામાં આવ્‍યા હતા. ફૂટેજમાં એક અજાણ્‍યો ઈસમ પથ્‍થર વડે દાનપેટી તોડવાનો પ્રયાસ કરતો સ્‍પષ્ટ જોવા મળ્‍યો હતો. આ સી.સી.ટી.વી. ફૂટેજ આજુબાજુના લોકોને બતાવતા, ફૂટેજમાં દેખાતો વ્‍યક્‍તિ રણજીત રામજીભાઈ સોંદરવા (રહે. રેલ્‍વે સ્‍ટેશન સામે, ટુટીયાપરા, ઉપલેટા) હોવાનું જાણવા મળ્‍યું હતું. આ રણજીત રામજીભાઈ સોંદરવાએ ચોરીના ઈરાદે પથ્‍થર વડે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા, ફરિયાદી હરસુખભાઈ કાલાવડીયાની ઉપલેટા પોલીસ સ્‍ટેશનમાં ચોરીનો પ્રયાસ કરનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે.

ઉપલેટા પોલીસે ફરિયાદના આધારે આરોપી રણજીત રામજીભાઈ સોંદરવા વિરુદ્ધ (ચોરી કરવાના ઈરાદે નુકસાન પહોંચાડવું/પ્રયાસ કરવો) અને ૬૨ (સહાયક જોગવાઈઓ) હેઠળ ગુનો નોંધીને તસ્‍કરીનો પ્રયાસ કરનાર વ્‍યક્‍તિની અટકાયત કરી લીધી છે.

આ વ્‍યક્‍તિ નશાનો ગુલામ હોવાનું અને વારંવાર હાથ સફાઈ કરવામાં માહેર છે જેમાં અગાઉ પણ અનેક જગ્‍યા ઉપર વસ્‍તુની ઉઠાંતરી કરવી હાથ સફાઈ કરવી અને નશા માટે કોઈપણ કળત્‍ય કરવું તે માટે આ ટેવાયેલો હોવાની પણ માહિતીઓ બહાર આવી છે.

(10:37 AM IST)