<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ભચાઉના વરસાણા ચોકડીના અકસ્‍માતમાં વધુ એકનું મોત થતાં મૃત્‍યુઆંક ૪ થયો

પીકઅપ વાનને પાછળથી ટ્રકે ઠોકર મારતાં અકસ્‍માત સર્જાયો હતો ફેક્‍ટરીમાં કામ કરવા જતી વખતે બનાવ બન્‍યો હતોઃ અંજારના પડાણા ગામના જયદેવ રજવારનું રાજકોટ ખાતે સારવારમાં મૃત્‍યુઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: બાર દિવસ પહેલા કચ્‍છના ભચાઉ-ગાંધીધામ વચ્‍ચે વરસાણા ચોકડી પાસે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાન પાછળ ટ્રક ઘુસી જતાં ઘટના સ્‍થળે જ ત્રણ લોકોના મોત થયા હતાં. વધુ એક ગંભીર ઇજાગ્રસ્‍ત યુવાનનું રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્‍યુઆંક ૪ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ  અંજારના પડાણા વસાહતમાં રહેતો જયદેવભાઇ  કિશનભાઇ રજવાર (ઉ.વ.૩૦) ગત તા.૩ના રોજ સાથી કર્મચારીઓ સાથે પીકઅપવાનમાં બેસીને ભીમાસર પાસે આવેલી કંપનીએ કામે જવા રવાના થયો હતો ત્‍યારે ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આવેલી વરસાણા ચોકડી પાસે પુરપાર ઝડપે આવતા ટ્રકે પીકઅપવાનને પાછળથી ઠોકર મારતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. ત્રણ લોકોના ઘટના સ્‍થળે જ મોત થયા હતાં. જ્‍યારે જયદેવભાઇ સહિતનાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જુદી જુદી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. દરમિયાન જયદેવભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા ગઈકાલે સાંજે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભચાઉ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્‍પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:21 PM IST)