<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત પ્રથમ ડ્રાફટ મતદાર યાદી તા.૧૯ના પ્રસિદ્ધ થશેઃ એસ.ડી.ધાનાણી

પોરબંદર જિલ્લાના મુખ્‍ય જિલ્લા ચૂંટણીપ, અધિકારી તથા જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીની અધ્‍યક્ષતામાં SIR પ્રથમ તબક્કાની કામગીરી અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ

પોરબંદર, તા.૧૭: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્‍યોમાં જાહેર કરાયેલી ખાસ મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગુજરાત રાજ્‍યનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવાના અનુસંધાને આજે મુખ્‍ય જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્‍ટર  એસ.ડી. ધાનાણીની અધ્‍યક્ષતામાં પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે ખાસ સઘન સુધારણા ઝુંબેશની પ્રથમ તબક્કાની કામગીરી તા.૧૪/૧૨/૨૦૨૫ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. તેના અનુસંધાને આગામી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રથમ ડ્રાફ્‌ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્‍યારબાદ તા.૧૯/૧૨/૨૦૨૫થી તા.૧૮/૧/૨૦૨૬ દરમિયાન હક, દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવશે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા.૧૭/૨/૨૦૨૬ના રોજ મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે પોરબંદર જિલ્લામાં કુલ ૫,૦૧,૭૪૩ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ૪,૩૪,૯૨૪ મતદારોના જરૂરી આધાર પુરાવા સાથેના ગણતરી ફોર્મ પરત મળ્‍યા છે. જોકે, આ પૈકી ૨૦૦૨ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા ૨૮,૧૩૩ મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોને બીજા તબક્કાની કામગીરી દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે જાણ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે ૨૦૦૨ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો તેમજ મળત્‍યુ, કાયમી સ્‍થળાંતર કે હાજર ન મળેલા મતદારોને તા.૧૯/૧૨/૨૦૨૫થી તા.૧૮/૧/૨૦૨૬ સુધી આધાર પુરાવા રજૂ કરવાની તથા સાંભળવાની સંપૂર્ણ તક આપવામાં આવશે. સાથે જ, બીજા તબક્કાની કામગીરી દરમિયાન તા.૧/૧/૨૦૨૬ની સ્‍થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનો પણ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સંદીપ જાદવ, ચૂંટણી મામલતદાર હર્ષદ પરમાર તેમજ જિલ્લાના પત્રકારમિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા

(9:50 AM IST)