<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

મોરબીમાં ૩ કરોડની જમીન દબાણમુકત કરાઈ

ઈન્‍દીરાનગર વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર અસામાજીક તત્‍વોએ પાકા મકાન ખડકી દિધા'તાઃ રેવન્‍યુ પોલીસની ટીમે તોડી પાડયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧૭: મોરબીના ઇન્‍દિરાનગર અને તેની બાજુમાં આવેલ મફતીયાપરામાં જુદા જુદા બે સ્‍થળ ઉપર અસામાજિકતત્‍વો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્‍યું હતું અને ત્‍યાં રહેણાંક મકાન બનાવ્‍યા હતા જે રહેણાંક મકાનોને આજે રેવન્‍યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવેલ છે અને અંદાજે ત્રણ કરોડથી વધુની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્‍ત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્‍યની અંદર અસામાજિક તત્‍વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલ કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્‍તારની અંદર દારૂ, શરીર સંબંધી અને અન્‍ય ગુનાઓમાં વારંવાર ઝડપાયેલા આરોપીઓના ગેરકાયદે જે કોઈ બાંધકામ હોય તેને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્‍યારે આજે મોરબીમાં મહેન્‍દ્રનગર ગામ પાસે આવેલ ઇન્‍દિરાનગર વિસ્‍તારમાં દારૂના ગુના સાથે સંકળાયેલ વાલજી શામજીભાઈ જંજવાડિયા તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ મનસુખ હનાભાઈ ચાવડા નામના બે અસામાજિક તત્‍વોના રહેણાંક મકાનના દબાણ ઉપર રેવન્‍યુ વિભાગના મામલતદાર સહિતની ટીમને સાથે રાખીને જેસીબી અને હિટાચી મશીન ફેરવીને દબાણોને તોડી પડ્‍યા છે તેવી માહિતી મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાએ આપી હતી.

મોરબી તાલુકા મામલતદાર ચિરાગભાઈ નિમાવત પાસેથી મળેલ માહિતી મુજબ મહેન્‍દ્રનગર ગામે સર્વે નંબર ૧૯૬ પૈકી ૧ ના સરકારી ખરાબામાં આવેલ મફતિયાપરામાં વાલજી શામજીભાઈ જંજવાડીયાએ ૧૦૦ ચોરસ મીટર જગ્‍યા ઉપર દબાણ કરીને મકાન બનાવ્‍યું હતું જ્‍યારે મહેન્‍દ્રનગર ગામના સર્વે નંબર ૧૯૦ પૈકી ૩ વાળી સરકારી જમીન ઉપર મનસુખભાઈ હનાભાઈ ચાવડા એ ૨૫૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને મકાન બનાવ્‍યું હતું આ બંને જગ્‍યાએ થઈને કુલ ૩૫૦ ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જે મકાનોને તોડી પાડીને જમીનને દબાણ મુક્‍ત કરવામાં આવી છે આ જમીનની સરકારી જંત્રી દર મુજબની ૭૩.૫૦ લાખ કિંમત થાય છે જો કે, બજાર કિંમત મુજબ તે ૩ કરોડ કરતાં વધુની જમીન છે.

અસામાજિક પ્રવળત્તિઓમાં દિવસે ને દિવસે વધારો થાય છે ત્‍યારે રાજ્‍ય પોલીસ વડાની સુચના મુજબ સમગ્ર રાજ્‍યની અંદર અસામાજિક તત્‍વો સામે પોલીસ વિભાગ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે અને અવારનવાર ગુનાઓમાં પકડાતા અસામાજિક તત્‍વોની સામે ડીમોલેશનનું શષા ઉગામ્‍યું છે જેના ભાગરૂપે મોરબીમાં પણ જુદી જુદી જગ્‍યાએ અસામાજિક તત્‍વોએ સરકારી જમીન ઉપર કરેલ દબાણ તોડી પાડવામાં આવે છે તેવામાં આજે ઇન્‍દિરાનગર વિસ્‍તારમાં ૩ કરોડની કિંમતની જમીન ઉપર બુલડોઝર ફેરવીને સરકારી જમીનને રેવન્‍યુ અને પોલીસ વિભાગે દબાણ મુક્‍ત કરેલ છે.

(12:12 PM IST)