<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

દ્વારકા જતાં ૪ પદયાત્રીઓના અકસ્માતમાં મોત નિપજ્યા

માળિયા નજીક અજાણ્યા વાહને મારી ટક્કરઃઅકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

મોરબી : બનાસકાંઠાથી દ્વારકા મંદિરે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના ભક્તોનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને ટક્કર મારી હતી.

અજાણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકોમાં બે યુવાનો પણ સામેલ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં માળિયા-મિયાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચારેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:17 PM IST)