<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મોરબી કલેક્‍ટરની રદ થયેલા કાયદા હેઠળની નોટિસ? સત્તાના દુરૂપયોગનો આરોપ, ટંકારાના ખેડૂતોમાં રોષ

ખેડૂત અગ્રણી મહેશ રાજકોટિયા ખાતેદારોના હકક અને હિત માટે મેદાનમાં ઉતરતા મામલો ગરમાયોઃ કલેક્‍ટરે અંગ્રેજોના કાળા કાયદાની અમલવારી કેમ અને કેના માટે કરી? જે કાયદાથી કલમો છે એનો ઉલ્લેખ કેમ નહીઃ ખેડૂતોના હિત રક્ષક જયેશ પટેલ

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૧૮: મોરબી જિલ્લા કલેક્‍ટર દ્વારા તાજેતરમાં  જમીન માલિકને આપવામાં આવેલી નોટિસો કાયદાકીય વિવાદ ઊભો કર્યો છે. આ નોટિસ તારીખ ૧૧ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ ઈન્‍ડિયન ટેલિગ્રાફ એક્‍ટ, ૧૮૮૫ની કલમ ૧૬(૧) હેઠળ જારી કરવામાં આવી છે, જ્‍યારે આ કાયદો કેન્‍દ્ર સરકાર દ્વારા ૨૦૨૩માં પસાર થયેલા ધી ટેલિકમ્‍યુનિકેશન્‍સ એક્‍ટ દ્વારા રદ કરી દેવામાં આવ્‍યો છે અને તેની મુખ્‍ય જોગવાઈઓ ૨૦૨૪થી અમલમાં આવી ગઈ છે.

રદ થયેલા કાયદા હેઠળ નોટિસ જારી કરવી એ વહીવટી તંત્રની ગંભીર ભૂલ છે, જે સત્તાના દુરુપયોગ તરીકે જોવાઈ રહી છે. આ નોટિસ ટેલિકમ્‍યુનિકેશન ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સ્‍થાપવા માટે જમીનના ઉપયોગ સંબંધિત છે, પરંતુ નવા કાયદા હેઠળ આવી સત્તા હવે જિલ્લા કલેક્‍ટર પાસે નથી, બલ્‍કે કેન્‍દ્ર સરકાર દ્વારા નિયુક્‍ત સક્ષમ અધિકારી પાસે છે. આ મામલે પીડિત જમીન માલિકો અને ખેડૂતો રાજકીય અગ્રણી મહેશ રાજકોટિયાએ મળતા તેઓ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્‍વીનર જયેશ પટેલ, ડાયાભાઈ ગજેરા સહિતની ટીમ સાથે મળીને આક્ષેપ કર્યો છે કે આ નોટિસ  કંપનીને ફાયદો પહોંચાડવા માટે જારી કરવામાં આવી છે. તેઓએ આને કંપની અને નેતાની મૌખિક સૂચનાનું પાલન ગણાવીને તાત્‍કાલિક તપાસ અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. કારણ કે ૧૮૮૫ નો અંગેજોનો બનાવેલો ધ ટેલિગ્રાફ એકટ કાયદો અત્‍યારે અસ્‍તિત્‍વમાં જ નથી તો તેના આધારે નોટિસ આપી તેના આધારે કામગીરી કેમ કરવા અને કરાવવામાં આવે છે સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે રદ થયેલા જૂના કાયદાનો આધાર લઈને નાગરિકોની મિલકતના અધિકારોમાં ગેરકાયદેસર હસ્‍તક્ષેપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે, જે નાગરિકોને હેરાન કરવા જેવું છે. આ ઘટના વહીવટી તંત્રમાં કાયદાકીય અપડેટ્‍સના અભાવને ઉજાગર કરે છે અને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણની જરૂરિયાત દર્શાવે છે. રાજ્‍ય સરકાર અને સંબંધિત અધિકારીઓ પાસેથી આ મામલે તાત્‍કાલિક પ્રતિસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આવી ભૂલો ટાળવા માટે વહીવટી અધિકારીઓને નવા કાયદાઓની તાલીમ અને જાગળતિની જરૂર છે, એમ ખેડૂત આગેવાનોએ અંતમા જણાવ્‍યું હતું.

ઉપરોક્‍ત નોટિસો મળતા ટંકારા તાલુકાના ખેડૂતો મોટી સંખ્‍યામાં કલેકટર સમક્ષ સુચિત સમયે મળ્‍યા હતા જ્‍યા લાઈસન્‍સ ધારક કંપની એ જમીન ધારકોને અંધારામાં રાખીને કોઈ પણ અગ્રિમ સુચના કે જાણ કે સર્વે વખતે પણ માહિતગાર કર્યા ન હોવાના ગંભીર આક્ષેપ કર્યો હતો જોકે કલેકટર કે બી ઝવેરી એ તાત્‍કાલિક કંપનીને આ અંગે ખેડૂતોને જાણ કરવા આદેશ આપ્‍યા છે જેને પણ ખેડૂતો શંકાથી જોઈ રહયા છે કે કલેકટરે કંપની પાસે ખેડૂતો કામ ન કરવા દેતા અંગે કેમ આધાર પુરાવા માંગ્‍યા નહી?

સમગ્ર મામલે અમે નોટિસોમાં કલેક્‍ટર મોરબીના હુકમથી નોટિસ કાઢનાર ચિટનિશ ટુ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ ધી ટેલિકમ્‍યુનિકેશન્‍સ એક્‍ટના ચેપટરની ૬૦ નંબરની ધારામાં પેટા નંબર ૩ થી ટેલિગ્રાફ એકટ ૧૮૮૫ ની ૧૦ થી લઈને ૧૬ નંબર સુધીની કલમો જ્‍યા સુધી કોઈ નવો સુધારો ન થાય ત્‍યા સુધી ચાલુ રાખવામાં આવેલ છે એટલે નોટિસ આપવામા આવી છે. જોકે નોટિસમાં ઉપરોકત સુધારા થયેલ કાયદાની નોધ કેમ ન કરવાના પશ્રને અધિકારીએ ગલ્લા તલ્લા કરી કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરી સમજી જવાની કેસેટ વગાડી હતી. જો તંત્ર દ્વારા કંપનીના હેરાન કરેના આક્ષેપો સાચા હોય તો સબુત સાથે જણાવવાના બદલે સિધ્‍ધુ તંત્રનો ઉપયોગ હાલતો અનેક સવાલો ઉભા કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના અનેક ગામડામા આગામી દિવસોમાં હેવી વિજ લાઈનો અને વિજ પોલો નાખવાની કવાયત શરૂ થવાની છે એ પુર્વે ખેડૂતોની સંગઠન ટિમો મેદાનમાં ઉતરતા ભારે રાજકિય ગરમાવો જામ્‍યો છે.(૨.૯)

(10:58 AM IST)