<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કચ્છ એસીબીનો મોટો સપાટો: સહકારી મંડળીના મંત્રી અને મુખ્ય શિક્ષક ૨,૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભૂજ (વિનોદ ગાલા દ્વારા): ભુજમાં જલારામ ભોજનાલય પાસે એસીબીએ સફળ છટકું ગોઠવીને નખત્રાણા તાલુકા પંચાયતની સહકારી મંડળીના બિલો મંજૂર કરવાના બદલામાં કમિશનની માંગણી કરનાર કર્મચારીને રોકડ રકમ સાથે દબોચી લીધો છે. જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એસીબીની ટીમે આ સફળ કાર્યવાહી કરીને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે.

 

કચ્છ જિલ્લામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરીને વધુ એક મોટી સફળતા મેળવી છે. આ કેસની વિગત મુજબ, નખત્રાણા તાલુકાની શ્રી મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (વર્ગ-૦૩) અને શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી તથા કારોબારી સભ્ય ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલ લાંચ લેતા પકડાયા છે.

 

આ કામના ફરિયાદીની કંપનીએ શ્રી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો. આ સપ્લાય પેટેના કુલ ૭,૫૨,૧૩૨ ના બિલો મંજૂર કરવાના અવેજમાં આરોપી ઘનશ્યામભાઇ પટેલે પોતાના કમિશન પેટે ૨,૮૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

 

ફરિયાદને આધારે એસીબીની ટીમે આજે તા. ૧૮ ના રોજ ભુજ ખાતે શ્રી અખિલ કચ્છ લોહાણાય મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ પર લાંચના છટકાનું આયોજન કર્યું હતું. 

 

આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૨,૮૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી અને આ રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ પકડી લીધા હતા. 

 

એસીબીએ સ્થળ પરથી લાંચની રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ સફળ કામગીરી ભુજ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. 

 

આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

(4:20 PM IST)