<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે પરપ્રાંતીય યુવાનની હત્‍યામાં ૬ શખ્‍સો પકડાયા

પ્રેમ સંબંધનો ભાંડો ફુટી જતા લાલુકુમારને મારવાને બદલે તેની સાથે રહેલ ચંદનકુમારને પતાવી દિધો'તોઃ તાલુકા પોલીસે ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધા

રાજકોટ તા. ૧૯: ગોંડલના ભરૂડી ટોલ નાકા પાસે સડક પીપળીયા ગામની સીમમાં પરપ્રાંતીય યુવાનની હત્‍યાના તાલુકા પોલીસે ભેદ ઉકેલી હત્‍યામાં સામેલ ૬ શખ્‍સોને ઝડપી લીધા હતા. પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જતા પ્રેમ સંબંધ રાખનાર યુવાનને બદલે તેની સાથે રહેલ પરપ્રાંતીય યુવાનને પતાવી દીધાનું ખુલ્‍યું છે.

મળતી વિગતો મુજબ ગોંડલના ભરૂડી ટોલ નાકા પાસે સડક પીપળીયા ગામની સીમમાં ચંદનકુમાર અમરજીત રાઉત રે. કરાર જી. વાંકા બિહારને અજાણ્‍યા શખ્‍સોએ છરી ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છુટયા હતા.

હત્‍યાના આ બનાવનો ભેદ ઉકેલવા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જરે આપેલ સુચના અન્‍વયે ગોંડલ તાલુકાના પી.આઇ. બી. એમ. ડોડીયા તથા ટીમે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હત્‍યામાં સામેલ ૬ શખ્‍સો (૧) રાકેશકુમાર સુભાષ મંડલ રહે. રતનપુર બિહાર, (ર) છોટેલાલ સુભાષ દરવે રહે. રતનપુર બીહાર, (૩) નવીનકુમાર મંડલ રહે. ચૈનશડ બીહાર, (૪) છોટુકુમાર નરેશભાઇ મંડલ રહે. ચૈનશડ બીહાર, (પ) ગનેશકુાર ઉર્ફે ડમરૂ રહે. ડુદરીદીહ બીહાર તથા (૬) નિરજકુમાર રાઉત રહે. ખડહરા બીહારની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ લાલુકુમાર તપેશ્‍વર રાઉત રે. પારડી મુળ બિહારને આરોપી રાકેશસીંગના ભાઇ નવીનસીંગની પત્‍ની સાથે પ્રેમસંબંધ હોય જે વાતની આરોપીઓને જાણ થઇ જતા તેનો ખાર રાખી આરોપીઓએ સાહેદ લાલુકુમારને મારી નાખવાનું પૂર્વયોજીત કાવત્રુ રચી મૃતક ચંદનકુમાર, લાલુકુમાર તથા વિવેકકુમારને નાસતો કરવાના બહાને સડક પીપળીયા ગામની સીમમાં બોલાવી ઉકત ૬ આરોપીઓએ લાલુકુમાર ઉપર છરીથી હુમલો કર્યો હતો પરંતુ મૃતક ચંદનુકમાર વચ્‍ચે પડતા તેને છરી ઝીંકી હતી અને માથામાં પથ્‍થર જેવા બોથર્ડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચંદનકુમારની હત્‍યા થતા તેની સાથે રહેતા લાલુકુમાર નાસી છુટયો હતો ત્‍યારબાદ આરોપીઓએ વિવેકકુમાર ઉપર પણ હુમલો કરી ઇજા કરી હતી.

હત્‍યામાં પકડાયેલ ઉકત ૬ શખ્‍સોની ગોંડલ તાલુકાના પી.આઇ. વી. એમ. ડોડીયા તથા સ્‍ટાફે વધુ પૂછતાછ હાથ ધરી છે.

(11:46 AM IST)