<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મોરબીમાં કલરકામ કરતા યુવાનના નામે પેઢીનું ખાતુ ખોલાવી સાયબર ફ્રોડના ૯ર.૮૮ લાખ જમા કરાવાયા!

૧પ હજારની લાલચ આપી દિવ્‍યરાજસિંહે ઇસ્‍માઇલના નામે ખાતુ ખોલાવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યાઃ બેની સામે ગુન્‍હો નોંધાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૯: મોરબી સહિત રાજ્‍યભરમાં સાયબર માફિયાઓના નેટવર્કને તોડી પાડવા સાયબર ક્રાઈમ પોલીસે રોજે રોજ ફરિયાદો નોંધાવી રહી છે ત્‍યારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે કલર કામ કરતા યુવાનના નામે પેઢીનું એકાઉન્‍ટ ખોલી સાયબર માફિયાના એજન્‍ટ બનેલા શખ્‍સ સહિત બે વિરુદ્ધ વધુ એક ગુન્‍હો દાખલ ક૨ી અલગ અલગ ૩૧ બનાવમાં ૯૨.૮૮ લાખની ઠગાઈ મામલે ગુન્‍હો દાખલ કર્યો હતો.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે દિલ્‍હી અને ગાંધીનગર સાયબર એક્‍સેલન્‍સ ટીમની યાદી અન્‍વયે જુના બસસ્‍ટેન્‍ડ પાસે રહેતા ઈસ્‍માઈલ હુસેનભાઈ કટિયા અને આરોપી દિવ્‍યરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર, ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી વાળા વિરુદ્ધ ગુન્‍હો રજીસ્‍ટર કરી આરોપી ઈસ્‍માઈલની પૂછતાછ કરતા પોતે કલરકામ કરતો હોવાનું જણાવી સ્‍ફોટક વિગતો જણાવી હતી. જેમાં સાયબર માફિયાઓના એજન્‍ટ દિવ્‍યરાજસિંહે કલરકામ કરતા ઇસ્‍માઈલને ૧૫ હજારની લાલચ આપી ડોકયુમેન્‍ટ મેળવી લીધા હતા અને બાદમાં જે.ડી.એન્‍ટર પ્રાઈઝ નામનું બેન્‍ક એકાઉન્‍ટ ખોલાવી તેમજ સેવિંગ એકાઉન્‍ટ ખોલાવી બેંકની કીટ મેળવી લઈ ખાતું ઓપરેટ કરતો હોવાનું કબુલ્‍યું હતું.

વધુમાં સાયબર માફિયાઓના એજન્‍ટ દિવ્‍યરાજસિંહે ખોલાવેલ જે.ડી.એન્‍ટરપ્રાઈઝ નામના ખાતામાં કેરળ, મહારાષ્‍ટ્ર, તામિલનાડુ અને ગુજરાત સહિત અલગ અલગ રાજ્‍યમાં સાયબર માફિયાઓએ કરેલી ઠગાઈના રૂ.૯૨, ૮૮, ૮૦૨ જમા કરાવ્‍યા હતા અને આ નાણાં દિવ્‍યરાજે ચેક, એટીએમથી ઉપાડી સગેવગે કર્યા હોય સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્‍હો રજીસ્‍ટર કરાવ્‍યો હતો.

(1:27 PM IST)