<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

"ઓપરેશન મ્યુલ હન્ટ : જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી કરોડોનો સાયબર ફોડ આચરનાર ટોળકીના ૨૪ આરોપીઓની ધરપકડ

જામનગર જીલ્લા પોલીસે કુલ રૂ. ૨,૨૩,૫૮,૨૨૭ નું સાયબર ફ્રોડ પકડી કાયદેસરની કાર્યવાહી કરી

જામનગર :"ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત માનનીય પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવના વડપણ અને અંગત માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઈ.પો.અધિક્ષક  પ્રતિભાનાઓની સૂચના મુજબ સાયબર ક્રાઈમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જેઓના સતત માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે,ભારત સરકારના 14C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી પ્રાપ્ત થયેલી મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે, જામનગર જિલ્લામાં કુલ ૩૬૩ શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરવામાં આવેલ.

આ તપાસના પરિણામે, જામનગર જિલ્લા પોલીસ દ્વારા ૧૯૩૦ પર ફોન કરી કુલ ૭૬ NCCRP ફરીયાદોના આધારે જામનગર જીલ્લા ખાતે કુલ ૨૪ સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જે મ્યુલ એકાઉન્ટો માં કુલ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રૂ.૨,૨૩,૫૮,૨૨૭/- ની રકમ ના વ્યવ્હારો થયેલા છે ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલા ૫૫ આરોપીઓ પૈકી ૨૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની અકાઉન્ટમા થયેલા કુલ સાયબર ફ્રોડની રકમ રૂ.૨,૨૩,૫૮,૨૨૭/- ના વ્યવ્હારો બાબતે આગળની તપાસ ચાલુ છે. સાથે જ, આ ગુનાઓમાં સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ સઘન રીતે ચાલુ છે.
સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ પોતાના બેંક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપેલ વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ગેર કાયદેસરની પ્રવુતીમા સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ LCB/SOG, તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સાથે મળી હ્યુમન સોર્સિસથી તથા ટેકનિકલ એનાલીસીસ આધારે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવાની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી રહેલ છે.

 

'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) અંગે ચેતવણી
ઘણીવાર લોકો નાની લાલચમાં આવીને પોતાના બેંક ખાતા બીજાને વાપરવા આપે છે, જે ગંભીર ગુનો બની શકે છે.
મ્યુલ એકાઉન્ટ શું છે?
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બેંક ખાતાનો ઉપયોગ અન્ય વ્યક્તિના (મોટે ભાગે ગુનાહિત) નાણાંની હેરફેર કરવા માટે કરવા દે છે, ત્યારે તેને 'મ્યુલ એકાઉન્ટ' કહેવાય છે.
સાવધ રહો:
કમિશનની લાલચ: "તમારા ખાતામાં પૈસા આવશે તમારે કાઢીને અમને આપવાના અને તમને ૫-૧૦% કમિશન મળશે" - આવી સ્કીમથી દૂર રહો.
ઓળખના દસ્તાવેજો: તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ કે બેંકની વિગતો કોઈ અજાણી વ્યક્તિને ન આપો.
ભાડે ખાતું: તમારું બેંક એકાઉન્ટ ક્યારેય કોઈને ભાડે ન આપો.
યાદ રાખો: જો તમારા ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા ફેરવવા માટે થશે, તો પોલીસ તપાસમાં પ્રથમ ગુનેગાર તરીકે તમે ગણાશો. તમારા તમામ બેંક ખાતા ફ્રીઝ થઈ શકે છે અને તમારી ધરપકડ પણ થઈ શકે છે.
સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો તેમજ પોતાના બેંક ખાતાઓનો અજાણતા અથવા લાલચમાં આવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ થવા દીધેલા વ્યક્તિઓને જામનગર જિલ્લા પોલીસ તરફથી
મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવે છે કે,
કોઈપણ વ્યક્તિ પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, UPI ID, PIN, OTP અથવા મોબાઈલ નંબર ક્યારેય કોઈ અન્યને આપશો નહીં.
સરળ કમાણી, કમિશન, કે લાલચભર્યા ફોન/મેસેજના કારણે બેંક ખાતું ઉપયોગમાં આપવા બદલ કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા રહે છે.
જો કોઈએ આપનું બેંક ખાતું ખોટી રીતે ઉપયોગ કર્યું હોવાનું જાણ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.
સાયબર ફ્રોડ અંગે ફરિયાદ કરવા માટે 1930 ફેલ્પલાઈન નંબર અથવાwww.cybercrime.gov.in પર તાત્કાલિક ફરિયાદ નોંધાવો.
વહેલી ફરિયાદ નોંધાવવાથી ફ્રોડની રકમ ફ્રીઝ થવાની અને આરોપીઓને ઝડપી પાકડવાની શક્યતા વધી જાય છે.
જામનગર જિલ્લા પોલીસ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આપની સતર્કતા જ સાયબર ગુનાઓ સામેનો સૌથી મજબૂત બચાવ છે.
અજાણ્યા નંબર પરથી મળતી કોલ અથવા મેસેજ પર ક્યારેય વ્યક્તિગત માહિતી કે બેન્ક ડીટેલ્સ શેર ન કરો.
કોઈપણ વ્યક્તિ જો એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની, ઇન્વેસ્ટમેન્ટની અથવા ગિફ્ટની ઓફર આપે તો તાત્કાલિક સાવચેત રહો.
સાયબર ઠગાઈનો શંકાસ્પદ કિસ્સો જણાય તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930 અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ કરો.
"સાવચેતી જ સુરક્ષા"– કોઈપણ લાલચમાં આવી તમારી મહેનતની કમાણી ગુમાવશો નહીં.
આવી કોઈપણ છેતરપિંડીની જાણ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવી.

(7:02 PM IST)