<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વિસાવદરના મોણપરીના શખ્‍સે બેંક ખાતામાં જમા ફ્રોડના ૧.૭૩ કરોડ ઉપાડી લીધા

૧૨ લોકો પાસેથી મેળવેલા સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરી નાખતા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: વિસાવદરના મોણપરીના શખ્‍સે તેના બેંક ખાતામાં જમા ફ્રોડના ૧.૭૩ કરોડ ઉપાડી લીધા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજ્‍યમાં બેંક ખાતા સાયબર ક્રાઈમની ફ્રોડ એક્‍ટિવિટી માટે ભાડે અથવા કમિશનથી મેળવી તે એકાઉન્‍ટમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના નાણા મેળવી લેતા હોવાનું ધ્‍યાન પર આવતા આવી ચેનલને ભેદવા રાજ્‍યભરમાં ઓપરેશન મ્‍યુલ હન્‍ટ શરૂ કરવામાં આવ્‍યું છે.

જેના ભાગરૂપે વિસાવદર પોલીસે તપાસ કરતા વિસાવદર તાલુકાના મોણપરી ગામના નિર્મલ વલ્લભભાઈ સાવલિયાના આઈડીએફસી ફસ્‍ટ બેંક જૂનાગઢના મામાદેવ એન્‍ટરપ્રાઇઝ નામના એકાઉન્‍ટ પર એનસીસીઆરપી પોર્ટલની ૧૨ ફરિયાદ થઇ હોવાનું ખુલ્‍યું હતું અને એકાઉન્‍ટ ધારક નિર્મલ સાવલિયાએ પોતાના બેંક ખાતામાં ફ્રોડથી રૂપિયા ૧,૭૩,૪૭,૧૨૫ મેળવી રકમ ઉપાડી સગેવગે કરતા પોલીસે શુક્રવારે નિર્મલ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ શખ્‍સના બેંક ખાતા પર થયેલી ૧૨ ફરિયાદ પૈકી એક ફરિયાદ અનુસાર સૌથી વધુ ૮૪ લાખ દિલ્‍હીના અરજદાર પાસેથી ફ્રોડ મેળવેલ રકમ જમા થઈ હતી.

(12:14 PM IST)