News of Saturday, 20th December 2025
હું બીમાર પડ્યો છું, પરંતુ મારો કાર્યકર્તા બીમાર નથી, બે મહિના સારવાર માટે જાવ છું: કાંતિલાલ અમૃતિયાઃ મોરબીમાં મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો

મોરબીઃ મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આજે મોરબી ખાતે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના ધરમપુર રોડ પર આવેલ ઉમા ટાઉનશીપ બંગલો ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાંતિલાલ અમૃતિયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે હું બીમાર પડ્યો છું, પરંતુ મારો કાર્યકર્તા બીમાર નથી, બે મહિના સારવાર માટે જાવ છું, મારી ગાંધીનગર અને મોરબીની ઓફિસ ખુલ્લી છે, કોઈ કામ અટકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે મંત્રી કાંતિલાલ અમૃતિયાને અન્નનળીનું સામાન્ય કેન્સર છે. જેની હાલ સારવાર ચાલુ છે અને ફાઈનલ સારવાર માટે તેઓ બે મહિના બોમ્બે જઈ રહ્યા છે. કાર્યકર્તા અભિવાદન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા મંત્રી કાંતિલાલ અમૃતિયા જણાવ્યું હતું કે, મચ્છુ હોનારત થી લઈને અત્યાર સુધી જે પણ સમય આવ્યો તેમાં હું લોકોની પડખે ઉભો રહ્યો છું. તે પછી કોરોના હોય તો પણ ભલે અને ભૂકંપ હોય તો પણ ભલે. ૧૯૯૫માં આંદોલનમાં આપણે હાર્યા પછી મોરબીની દશા ખરાબ થઈ હતી જેને યોગ્ય કરતા મારે બે વર્ષ લાગ્યા હતા. વિરોધ પક્ષ તો વિરોધ પક્ષનું કામ કરશે જ તેમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી. કામ આપણે સારું કરવાનું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ષોથી કામ કરું છું. મેં કોઈ દિવસ તેમના ખિસ્સામાં ૧૦૦ રૂપિયા નથી જોયા. આવા ઈમાનદાર વડાપ્રધાન આપણને મળ્યા છે. ૩૭૦ની કલમ અને રામ મંદિર જેવા અનેક નિર્ણયો તેમણે લીધા છે. થોડા દિવસ પહેલા યોજાયેલા અમિતભાઈ શાહના કાર્યક્રમ વખતે હું બીમાર હોય કાર્યક્રમ રદ કરવાની વાત હતી. પરંતુ જગદીશભાઈ વિશ્વકર્માને મેં જણાવ્યું હતું કે હું ભલે બીમાર હોય પણ મારો કાર્યકર્તા બીમાર નથી. થોડા સમય પહેલા પાણીનો પ્રશ્ન હતો ત્યારે પણ મેં બીમારી હતો. પરંતુ જો હું બીમારીના કારણે કામગીરી ન કરું તો લોકોને અને ખેડૂતોને પાણી ન મળે. જેથી ખેડૂતોના અને લોકોના પુણ્ય મને મળશે. વર્ષ ૨૦૧૭ સુધીમાં ગામના રસ્તા તો યોગ્ય કરવા જ છે પરંતુ સીમના રસ્તા પણ બનાવવાનો મારો લક્ષ્ય છે. મારા ઓપરેશન ના કારણે હું બે મહિના આપણી વચ્ચેથી થોડો વિરામ લઈશ પરંતુ કોઈ પણ કામ હોય તો ગાંધીનગર કાર્યાલયે સંપર્ક કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્ખનીય છે કે, મંત્રી કાંતિલાલ અમૃતિયાને અન્નનળીમાં માઈનોર કેન્સર છે. જેની તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ૪ ડોઝ પુરા થયા છે હવે ૨ ડોઝ બાદ ઓપરેશન થશે. ૨ ડોઝ પુરા થયા પછી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સ્પેશિયલ ડોકટરોની ટીમ દ્વારા ઓપરેશન અને ત્યાર પછી ૧ મહિનો ૧૦ દિવસ આરામ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમળતિયા, જેઠાભાઈ મીયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ જારીયા, જયંતીભાઈ પટેલ, જયુભા જાડેજા, જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, સહકારી અગ્રણી મનહરભાઈ બાવરવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. (તસ્વીર- અહેવાલઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
